આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ પ્રી-મોન્સૂન ગતિવિધિઓ સક્રિય થઈ ગઈ છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યના કેટલાક ભાગોમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પવન ફૂંકાવા સાથે મધ્યમથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના ઘણાં જિલ્લાઓમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે 16 જૂને અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે અત્યંત ભારે વરસાદને લઈને રૅડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે રાજકોટ, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, તાપી, ડાંગ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને દેવભૂમિ દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

રાજ્યમાં 17 જૂને જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મેઘગર્જના સાથે અત્યંત ભારે વરસાદને પગલે હવામાન વિભાગે રૅડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને દેવભૂમિ દ્વારકા, જામનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. 

18-19 જૂનના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 12 થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદને લઈને ઑરેન્જ અને યલો ઍલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે. જેમાં જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દાહોદ, છોટા ઉદેપુર સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે.

અમરેલી જિલ્લાના અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજુલા, સાવરકુંડલા, બાબરા, ધારી, બગસરા અને ખાંભામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. સાવરકુંડલાના થોરાળી નદી ઉપર ચેકડેમ ઓવરફ્લો થતાં નેરડામાં બળદ ગાડા સાથે પિતા-પુત્ર તણાયા હતા. આ ઘટનામાં પાણીમાં તણાવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત ફલકુ અને મેરામણ નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. 

Leave a comment

Trending