અમદાવાદથી લંડન જતું એર ઈન્ડિયાનું વિમાન તૂટી પડવાની ઘટના બનતા એવિએશન ઈન્ડસ્ટ્રી સામે અનેક ગંભીર સવાલ ઊભા થયા છે. ડોમેસ્ટિક ફ્લાઇટોમાં મુસાફરી કરનારા પેસેન્જરોમાં ડરનો માહોલ છે. સુરક્ષા કારણોસર ડોમેસ્ટિક ફ્લાઇટોમાં લોકોએ ટિકિટો રદ કરાવી હતી અને તેને બદલે ટ્રેનનો સહારો લીધો હતો.
અમદાવાદથી એર ઇન્ડિયા રોજની 13 ફ્લાઇટ ઓપરેટ કરે છે, જેમાં દિલ્હીની સૌથી વધુ છે. તમામ રૂટની ફ્લાઇટો સાવ ખાલી જેવી જઈ રહી છે, ખૂબ ઓછા પેસેન્જરો મુસાફરી કરી રહ્યા છે, ઇન્ડિગોના વિવિધ રૂટની ફ્લાઇટોમાં 60થી 70 ટકા પેસેન્જરો ઘટ્યા છે. પ્લેન ક્રેશ થયા બાદના ત્રણ દિવસમાં એકપણ વીઆઈપીએ ડોમેસ્ટિક ફ્લાઇટમાં મુસાફરી કરી નથી. જોકે રવિવારથી એરપોર્ટ પર પેસેન્જરોની મૂવમેન્ટ નોર્મલ જોવા મળી હતી.
અમદાવાદમાં વિમાન અકસ્માતની દુર્ઘટના બાદ ફ્લાઇટોના એન્જિનમાં ટેક્નિકલ ખામી સર્જાવાની ઘટના યથાવત્ છે. વિમાન ક્રેશના બીજા દિવસે શુક્રવારે ઇન્ડિગોની હૈદરાબાદ જતી ફ્લાઇટમાં છેલ્લી ઘડીએ એન્જિનમાં ખામી સર્જાતા ટેકઓફ રિજેક્ટ કર્યું હતું. એટીસીનો સંપર્ક કરી વિમાનને ટેક્સી વે પરથી પાછું વાળવું પડ્યું હતું.
રવિવારે ઇન્ડિગોની અમદાવાદથી દેહરાદૂનની બપોરે 1.45 વાગ્યાની ફ્લાઇટમાં ટેકઓફ પહેલા એન્જિનમાં ખામી સર્જાઈ હતી. ફલાઇટમાં સવાર 160 પેસેન્જરનું ફાઇનલ બૉર્ડિંગ પણ થઈ ગયું હતું. ફલાઇટ રદ કરાતા પેસેન્જરોએ એરપોર્ટ પર અટવાઈ પડતા ભારે હોબાળો મચાવી દીધો હતો.






Leave a comment