– બાલી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ દિલ્હી પરત ફરી
આજે સવારે હૈદરાબાદના બેગમપેટ એરપોર્ટને બોમ્બની ધમકીભર્યો ઇમેઇલ મળ્યો. બેગમપેટ ACPએ જણાવ્યું કે બોમ્બ સ્ક્વોડને તપાસ માટે બોલાવવામાં આવી છે અને એરપોર્ટના દરેક ભાગની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી કોઈ બોમ્બ મળ્યો નથી. બધા સુરક્ષિત છે અને એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.
આ તરફ એર ઇન્ડિયાની દિલ્હીથી બાલી જતી ફ્લાઇટ AI2145 અધવચ્ચેથી જ દિલ્હી પરત ફરી છે. એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે બાલી એરપોર્ટ નજીક જ્વાળામુખી ફાટવાના અહેવાલોને કારણે મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે ફ્લાઇટ મંગળવારે રાત્રે બાલી માટે રવાના થઈ હતી અને જ્વાળામુખી ફાટવાના અહેવાલો પછી તે અધવચ્ચેથી પાછી ફરી હતી. બુધવારે વહેલી સવારે ફ્લાઇટ દિલ્હીમાં સુરક્ષિત રીતે લેન્ડિંગ થઈ હતી. એરલાઇન્સ દ્વારા તેમને રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ન્યૂઝ એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર, મંગળવારે ઇન્ડોનેશિયાના માઉન્ટ લેવાટોબી લાકી-લાકી જ્વાળામુખી ફાટ્યો હતો. જ્વાળામુખીથી 11 કિમી ઊંચાઈ સુધી રાખ ફેલાઈ ગઈ હતી. બુધવારે સવારે ફરી 1 કિમી ઊંચા રાખના વાદળ દેખાયા હતા. જેના કારણે બાલી જતી અનેક ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ રદ કરવી પડી.
મંગળવારે અગાઉ, એર ઇન્ડિયાની 7 ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ-લંડન, દિલ્હી-પેરિસ, દિલ્હી-વિયેના, લંડન-અમૃતસર, દિલ્હી-દુબઈ, બેંગલુરુ-લંડન અને સાન ફ્રાન્સિસ્કો-મુંબઈ ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ મંગળવારે જણાવ્યું હતું કે એર ઇન્ડિયાએ 12 થી 17 જૂન વચ્ચે બોઇંગ 787 ફ્લાઇટ્સ સહિત 66 ફ્લાઇટ્સ રદ કરી હતી. DCGA એ કહ્યું- 12 જૂનની ઘટના પછી, એર ઇન્ડિયાના બોઇંગ 787 સીરીઝના ડ્રીમલાઇનરની તપાસ કરવામાં આવી હતી, જેમાં સલામતી અંગે કોઈ મોટી સમસ્યા જોવા મળી ન હતી.
DCGA એ જણાવ્યું હતું કે વિમાનનું જાળવણી વર્તમાન સુરક્ષા નિયમો અનુસાર હોવાનું જાણવા મળ્યું છે. એર ઇન્ડિયાના કાફલામાં 33 બોઇંગ 787- 8/9 વિમાન છે. મંગળવારે DGCA એ એર ઇન્ડિયાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં, DGCA એ એરલાઇનને વિમાન સલામતી પર ધ્યાન કેન્દ્રિત કરવા, ફ્લાઇટ ઓપરેશનને કડક બનાવવા અને ફ્લાઇટ પ્રસ્થાન સમયસર શેડ્યૂલ કરવા સૂચના આપી છે.
12 જૂનના રોજ અમદાવાદમાં AI-171 ફ્લાઇટ ક્રેશ થઈ હતી. તેના સ્થાને, અમદાવાદથી લંડન માટે નવી ફ્લાઇટ AI-159 શરૂ કરવામાં આવી છે. મંગળવારે આ ફ્લાઇટ સતત બીજી વખત રદ કરવામાં આવી હતી.
ફ્લાઇટ બપોરે 1.10 વાગ્યે ઉડાન ભરવાની હતી, પરંતુ ટેકઓફના થોડા કલાકો પહેલા, ટેકનિકલ ખામી સર્જાઈ હતી. આ ફ્લાઇટ 16 જૂને પણ રદ કરવામાં આવી હતી.
દિલ્હીથી પેરિસ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI142 પણ ટેકનિકલ ખામીના કારણે રદ કરવામાં આવી હતી, જે ઉડાન પહેલાની તપાસ દરમિયાન મળી આવી હતી. આ ઉપરાંત લંડનથી અમૃતસર આવતી ફ્લાઇટ પણ ટેકનિકલ ખામીના કારણે રદ કરવામાં આવી હતી.
આ તરફ, સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-180માં સોમવારે રાત્રે ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેના કારણે મંગળવારે સવારે કોલકાતા એરપોર્ટ પર મુસાફરોને વિમાનમાંથી નીચે ઉતરવું પડ્યું હતું.
બોઇંગ 777-200LR (વર્લ્ડલાઇનર) વિમાન 17 જૂનના રોજ રાત્રે 12:45 વાગ્યે કોલકાતા પહોંચ્યું. તે રાત્રે 2:00 વાગ્યે મુંબઈ જવા રવાના થવાનું હતું. વિમાનના ડાબા એન્જિનમાં ટેકનિકલ ખામીને કારણે ટેકઓફમાં વિલંબ થયો હતો.
આ પછી, સવારે લગભગ 5:20 વાગ્યે, કેપ્ટને મુસાફરોને વિમાનમાંથી નીચે ઉતરવા કહ્યું. તેમણે કહ્યું કે ફ્લાઇટ સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.






Leave a comment