PAKએ ફરી સ્વીકાર્યું, ભારતે નૂરખાન-શોરકોટ એરબેઝ ઉડાવ્યા

પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશાક ડારે પહેલીવાર સ્વીકાર્યું છે કે ભારતે તેના બે મુખ્ય એરબેઝ- નૂરખાન અને શોરકોટ એરબેઝ પર હુમલો કર્યો હતો. ડારે જિયો ન્યૂઝ પર ખુલાસો કર્યો હતો કે પાકિસ્તાન 6-7 મેની રાત્રે વળતો હુમલો કરવાની તૈયારી કરી રહ્યું હતું. ત્યાર બાદ ભારતે ફરી હુમલો કર્યો અને નૂરખાન-શોરકોટ એરબેઝને નિશાન બનાવ્યા.

અગાઉ પાકિસ્તાન સરકાર અને સેનાએ ભારતના હુમલાનો ઇનકાર કર્યો હતો, જોકે થોડા સમય પછી પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફ અને હવે નાયબ પીએમ ઇશાક ડારે હુમલાઓની પુષ્ટિ કરી છે તેમજ ડારે યુદ્ધવિરામ પાછળ સાઉદી પ્રિન્સની પહેલ હોવાની પણ વાત કરી. તેમણે કહ્યું, ‘હુમલા પછી 6-7 મેની રાત્રે, 45 મિનિટ પછી સાઉદી પ્રિન્સે ફોન કરીને ભારત સાથે વાતચીતનો પ્રસ્તાવ મૂક્યો, પછી જ્યારે અમે હા પાડી ત્યારે તેમણે ભારત સાથે વાતચીત કરી.’

ખરેખરમાં 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલા પછી 7 મેના રોજ ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) અને પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાં પર હવાઈ હુમલા કર્યા હતા. સેનાએ 100 આતંકવાદીને ઠાર માર્યા હતા. ત્યારથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે.

ઇશાક ડારે કહ્યું હતું કે અમે વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે વાત કરી હતી. તેમણે દળોને તૈયાર રહેવા કહ્યું હતું. અમારે શું કરવાનું છે એ અંગે બધું નક્કી કરવામાં આવ્યું હતું. અમે સવારે 4 વાગ્યા પછી ભારત પર મોટો હુમલો કરવાના હતા, પરંતુ એ પહેલાં ભારતે ફરીથી 2:30 વાગ્યે કાર્યવાહી કરી અને નૂરખાન, શોરકોટ એરબેઝ સહિત ઘણી જગ્યાએ હુમલો કર્યો.

ડેપ્યુટી પીએમ ડારે કહ્યું, “જ્યારે ભારતે નૂર ખાન એરબેઝ પર હુમલો કર્યો ત્યારે સાઉદી પ્રિન્સે ફોન પર કહ્યું કે જો તમે કહો તો હું વિદેશમંત્રી એસ. જયશંકર સાથે વાત કરું કે પાકિસ્તાન યુદ્ધવિરામ માટે તૈયાર છે અને તેમણે પણ બંધ કરવું જોઈએ તો મેં હા પાડી અને તેમણે મારી સાથે વાત કરી અને મને ફોન કર્યો.”

શાહબાઝ શરીફે એક ઇન્ટરવ્યૂમાં એ પણ સ્વીકાર્યું હતું કે ભારતે રાવલપિંડી એરપોર્ટ સહિત અનેક સ્થળોએ બ્રહ્મોસ મિસાઇલોથી હુમલો કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે પાકિસ્તાને 10 મેના રોજ સવારે 4:30 વાગ્યે હુમલો કરવાનો પ્લાન કર્યો હતો, પરંતુ ભારતના હુમલાના બીજા તબક્કાએ (9-10 મેની રાત્રે) પાકિસ્તાનના પ્લાનને નિષ્ફળ બનાવી દીધો.

4 જૂનના રોજ પાકિસ્તાનના એક સત્તાવાર દસ્તાવેજમાં ઘટસ્ફોટ થયો હતો કે ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનમાં અનેક સ્થળો પર હુમલો કર્યો હતો, જેનો ઉલ્લેખ ભારતીય વાયુસેના કે સેનાના અધિકારીઓએ કર્યો ન હતો.

પાકિસ્તાનના ઓપરેશન બુન્યાન ઉન માર્સૂસ સંબંધિત એક દસ્તાવેજમાં આ માહિતી પ્રકાશમાં આવી છે. પાકિસ્તાન દ્વારા જાહેર કરાયેલા દસ્તાવેજ મુજબ, ભારતે પેશાવર, ઝાંગ, હૈદરાબાદ (સિંધ), ગુજરાત (પંજાબ), બહાવલનગર, અટોક અને ચોરમાં પણ હુમલો કર્યો હતો.

Leave a comment

Trending