અમદાવાદમાં 12 જૂનના રોજ બનેલી ભયાવહ પ્લેન ક્રેશની દુર્ઘટના પાછળનું કારણ જાણવા સૌ કોઈ આતુર છે. આ કારણ જાણવા માટે અત્યંત સહાયક બે બ્લેક બૉક્સ પણ મળી આવ્યા છે. જો કે, દુર્ઘટના એટલી ભયાનક હતી કે, અગ્નિઅવરોધક બ્લેક બૉક્સને પણ નુકસાન થયુ છે. સ્થાનિક અધિકારીઓ અને એજન્સીઓ AAIB (એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યૂરો) સાથે મળી તપાસ કરી રહ્યા છે. આ ક્ષતિગ્રસ્ત બૉક્સને ડિકૉડ કરવા અમેરિકા મોકલવાના અહેવાલો મળ્યા હતા. જો કે, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે (MoCA) આ અહેવાલોને ફગાવ્યા છે. મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે, AAIBના મૂલ્યાંકન બાદ ફ્લાઈટ રેકોર્ડર બ્લેક બૉક્સના ડિકૉડિંગ માટે સ્થળની પસંદગીનો નિર્ણય લેવામાં આવશે.
આ દુર્ઘટનાની તપાસ ચાલી રહી છે. જેમાં AAIBની ટીમને ઈન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઈઝેશન પ્રોટોકલ્સ સાથે યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ, ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ તપાસમાં સહયોગ આપી રહી છે.
આ તપાસમાં સામેલ અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે, વિમાનનો કાટમાળ એરપોર્ટ નજીક ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિ. સાઈટ પર લઈ જવામાં આવશે. અહીં નિષ્ણાતો એરક્રાફ્ટના તમામ ટુકડાંનું પરીક્ષણ કરશે. તમામ ઈલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ્સને ફોરેન્સિક સાયન્સ લાઈબ્રેરીમાં તપાસ અર્થે મોકલવામાં આવશે. અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું હતું કે, વિમાનના તમામ ટુકડાંની ઝીણવટપૂર્વક તપાસ થશે. જેથી દુર્ઘટના પાછળનું કારણ જાણી શકાય.
વિવિધ મીડિયા રિપોર્ટ અનુસાર, બ્લેક બૉક્સને ડિકૉડ કરવા માટે લખનઉ નજીક HAL સુવિધા, યુનાઇટેડ સ્ટેટ્સમાં NTSB, યુનાઇટેડ કિંગડમમાં સિવિલ એવિએશન ઓથોરિટી અથવા સિંગાપોર મોકલી શકે છે. પરંતુ નાગરિક ઉડ્ડયન મંત્રાલયની સ્પષ્ટતા બાદ સંકેત મળી રહ્યો છે કે, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી ભારતમાં જ હાલમાં જ શરૂ કરવામાં આવેલી લેબ ખાતે તેનું ડિકૉડિંગ કરી શકે છે. હાલમાં જ એપ્રિલમાં AAIBએ તેના હેડક્વાર્ટર દિલ્હી ખાતે ડિજિટલ ફ્લાઈટ ડેટા રેકોર્ડર અને કોકપીટ વોઈસ રેકોર્ડ લેબનું ઉદ્ધાટન કર્યું હતું. આ લેબ નવ કરોડના ખર્ચે તૈયાર થઈ હતી.
દુર્ઘટના બાદ વિમાનના કાટમાળમાંથી 13 જૂન અને 16 જૂનના રોજ એક-પછી એક બ્લેક બૉક્સ મળી આવ્યા હતાં. પ્રત્યેક બ્લેક બૉક્સમાં ડિજિટલ ફ્લાઈટ ડેટા રેકોર્ડર (DFDR) અને કોકપીટ વોઈસ રેકોર્ડર (CVR) હોય છે. ભૂતકાળમાં ઓગસ્ટ, 2020માં કાલિકટ ખાતે એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ દુર્ઘટનામાં બ્લેક બૉક્સને ડિકૉડ કરવા માટે અમેરિકાની મદદ લેવામાં આવી હતી. આ દુર્ઘટનામાં સવાર 190માંથી 21 લોકો માર્યા ગયા હતાં. જો કે, તે સમયે ભારત પાસે DFDR અને CVR ડેટા અને નુકસાનગ્રસ્ત બ્લેક બૉક્સની ચકાસણી કરવા પોતાની સમર્પિત લેબ ન હતી.






Leave a comment