અદાણી વિદ્યા મંદિર ખાતે વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી

“યોગ એ પોતાનાં દ્વારા પોતાના સુધીની સફર છે,” ભગવદ્ ગીતાના આ સૂત્રને સાર્થક કરતા, અદાણી વિદ્યા મંદિર, ભદ્રેશ્વર ખાતે 20 જૂન, 2025ના રોજ વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આધુનિક યુગમાં યોગની વધતી જતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, શાળાએ વિદ્યાર્થીઓને શારીરિક અને બૌદ્ધિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેથી યોગ માત્ર એક વિકલ્પ નહીં પણ એક આદત બની રહે.

આ પ્રસંગે, યોગ બોર્ડ ગુજરાતના પૂર્વ કચ્છ જિલ્લા કોઓર્ડિનેટર શ્રી ભૂપતસિંહ સોઢા યોગાચાર્ય તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ ૐકારના નાદથી થયો હતો. ત્યારબાદ, શાળા પરિવાર દ્વારા પુસ્તક આપીને મહેમાનશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

યોગાચાર્ય શ્રી ભૂપતસિંહ સોઢાએ સરકાર દ્વારા નિર્ધારિત પ્રોટોકોલ મુજબ વિવિધ યોગિક ક્રિયાઓ જેવી કે વિવિધ પ્રકારના આસન, પ્રાણાયામ અને ધ્યાન કરાવ્યા હતા. તેમણે યોગ અને તેના મહત્ત્વ વિશે વિસ્તૃત સમજણ આપી હતી. આ ઉપરાંત, તેમણે વિદ્યાર્થીઓને જીવન ઉપયોગી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું અને મોબાઇલના ઉપયોગના ફાયદા-ગેરફાયદા અંગે પણ ચર્ચા કરી હતી. દિન વિશેષ સંદેશ તરીકે, તેમણે વિદ્યાર્થીઓને નિયમિત યોગ કરવાનું સૂચન કર્યું હતું.

પધારેલા મહેમાનશ્રીએ શાળાને યોગની માહિતી પ્રદાન કરતું પુસ્તક ‘કોમન યોગ પ્રોટોકોલ’ ભેટમાં આપ્યું હતું. આ યોગ સત્રમાં શાળાના ધોરણ 7 થી 10 ના કુલ 205 વિદ્યાર્થીઓ અને 10 શિક્ષકો ઉત્સાહભેર જોડાયા હતા.

વિશ્વ યોગ દિવસની આ ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓએ યોગનું સાચું મહત્ત્વ જાણ્યું અને પોતાના રોજિંદા જીવનમાં નિયમિત યોગ કરવા માટે કટિબદ્ધતા દર્શાવી. તેમણે પોતાની સાથે અન્યોને પણ યોગ સાથે જોડવા માટે તત્પરતા દેખાડીને એક સુંદર ઉદાહરણ સ્થાપિત કર્યું. અભ્યાસ અને જીવનશૈલીમાં યોગના સંકલનથી તેઓ શારીરિક, માનસિક અને બૌદ્ધિક સ્વાસ્થ્યને વધુ સારું બનાવી શકશે તથા ધ્યાન દ્વારા પોતાની એકાગ્રતા વધારી શકશે. સમગ્ર કાર્યક્રમ ઉત્તમ રીતે આયોજિત, અસરકારક અને પ્રેરણાદાયક સાબિત થયો.

Leave a comment

Trending