અમદાવાદ પ્લેન ક્રેશની જવાબદારી લેનારની ધરપકડ

ગુજરાત અને દેશના 11 રાજ્યોને બોમ્બ બ્લાસ્ટની ધમકીના મેઈલ મોકલીને આતંક મચાવનારી એક રહસ્યમય યુવતીની આખરે ધરપકડ કરાઈ છે. ચેન્નઈની રહેવાસી અને રોબોટિક્સની ડિગ્રી ધરાવતી રેની જોસિલ્ડા નામની આ યુવતીએ અમદાવાદ શહેરને કુલ 21 ધમકીભર્યા મેઈલ મોકલ્યા હતા. જોકે, એક નાનકડી ભૂલ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તેમજ સાયબર ક્રાઈમની છ મહિનાની સઘન મહેનત બાદ આ યુવતી પોલીસના હાથે ચેન્નઈમાંથી ઝડપાઈ છે. રેની જોસિલ્ડાએ દેશના વિવિધ 11 રાજ્યોમાં શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, અને પબ્લિક સ્ટેડિયમમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીઓ ઈમેઈલથી આપી હતી.

આરોપી રેની જોસિલ્ડાએ છેલ્લે મેઈલ સિવિલ હોસ્પિટલને કર્યો હતો, જેમાં તેણે અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશની જવાબદારી લીધી હતી. આ મેઈલ બાદ પોલીસ વધુ સક્રિય બની અને તપાસનો ધમધમાટ તેજ બન્યો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને અમદાવાદ સાયબર ક્રાઈમની સંયુક્ત ટીમે છ મહિના સુધી દિવસ-રાત એક કરીને આ યુવતીને શોધી કાઢી.

પોલીસ તપાસમાં રેની જોસિલ્ડાના આ કૃત્ય પાછળનું ચોંકાવનારું કારણ સામે આવ્યું છે. રેની એક યુવકના એકતરફી પ્રેમમાં પાગલ હતી. તે યુવકે રેની સાથે લગ્ન કરવાની ના પાડી હતી અને બાદમાં અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. આ યુવક પ્રત્યેની ધિક્કાર અને બદલો લેવાની ભાવનાથી પ્રેરાઈને રેનીએ આ ભયાવહ કાવતરું રચ્યું હતું.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રેનીએ તેના પ્રેમીને ફસાવવા માટે પાકિસ્તાનનું વેબ આઈડી બનાવ્યું હતું. આ ઉપરાંત, તેણે દિવિશ પ્રભાકર, અંજની કુમાર જેવા અલગ-અલગ નામોથી જીમેઈલ એકાઉન્ટ પણ બનાવ્યા હતા. આ બનાવટી એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને તે ધમકીભર્યા મેઈલ મોકલતી હતી.

રેનીનો ગુનાહિત ઈતિહાસ આશ્ચર્યજનક છે. વર્ષ 2021-22માં પણ તેણે મિત્રોના વર્ચ્યુઅલ નંબર મેળવીને ફેક ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ એકાઉન્ટ બનાવ્યા હતા. આ એકાઉન્ટ્સ દ્વારા તે મિત્રોને મજાક કરીને પરેશાન કરતી હતી. એટલું જ નહીં, વર્ષ 2019માં પણ તેની સામે ફેક એકાઉન્ટથી લોકોને હેરાન કરવા બદલ અરજી થઈ હતી.

રેની જોસિલ્ડાએ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ ભારતના 11 જુદા જુદા રાજ્યોમાં પણ ધમકીભર્યા મેઈલ કર્યા હતા. પોતાની ઓળખ છુપાવવા માટે તેણે ડાર્ક વેબ, પ્રોટોન મેઈલ અને ટોર બ્રાઉઝર જેવા અત્યાધુનિક પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હતો. 11 રાજ્યોની પોલીસ તેની પાછળ હતી, પરંતુ આખરે ગુજરાત પોલીસને તેને ઝડપી પાડવામાં સફળતા મળી.

રેની એક ટેકનોક્રેટ હોવા છતાં અને પુરાવાઓ ડિલીટ કરવાનો પ્રયાસ કર્યો હોવા છતાં, ગુજરાત પોલીસે તેની સામે ઘણા ઠોસ પુરાવા એકઠા કર્યા છે. ચેન્નઈથી તેની ધરપકડ કરાયા બાદ પોલીસે તેના રિમાન્ડ મેળવ્યા છે. યુવતીએ પોતાનો ગુનો સ્વીકારી લીધો છે અને હવે તેની સાથે આ કાવતરામાં અન્ય કોણ-કોણ સામેલ છે તે દિશામાં તપાસ ચાલી રહી છે. હાલ તેના મોબાઈલ ફોનનું પણ એનાલાઈઝેશન કરવામાં આવી રહ્યું છે.

Leave a comment

Trending