ક્રેશ થયેલા પ્લેનના પાર્ટ્સ તપાસ માટે અમદાવાદમાં જ રખાશે

ગઈ 12 જૂન, 2025ના રોજ બપોરના 1.40 વાગ્યે બનેલી અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ હવે તપાસ એજન્સીઓ દ્વારા નાનામાં નાની કડી તપાસવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. એમાં પણ જ્યારે પ્લેન ક્રેશની વાત આવે ત્યારે એના નિયમ પ્રમાણે પ્લેનના પાર્ટ્સ એકત્ર કરીને એને રિસ્ટ્રક્ચર કરવામાં આવે છે અને પહેલાં એવી વાત હતી કે પ્લેનના પાર્ટને વિદેશ મોકલાશે, પરંતુ હવે વિમાનના બચી ગયેલા પાર્ટને ગુજસેલ ખાતે સાચવવામાં આવી રહ્યા છે. ક્રેશ સાઈટથી અલગ અલગ માધ્યમો દ્વારા પાર્ટ્સને પોલીસ એસ્કોર્ટ સાથે ગુજસેલ (ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિ.) પહોંચાડવામાં આવી રહ્યા છે. જ્યાં પ્લેનને નિયમ પ્રમાણે રિસ્ટ્રક્ચર એટલે જે પ્લેનનો કાટમાળ વધ્યો છે એને પ્લેનના સ્ટ્રક્ચર પ્રમાણે ગોઠવવામાં આવશે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ મેઘાણીનગરમાં જે જગ્યાએ પ્લેન ક્રેશ થયું હતું એ જગ્યાથી હવે પ્લેનનો કાટમાળ ખસેડવામાં આવી રહ્યો છે અને પ્લેનના અલગ અલગ પાર્ટ્સને સાચવવા માટેની જગ્યા નક્કી કરવામાં આવી છે.

હાલ અમદાવાદ ગુજસેલ એરપોર્ટ પાસે એક જગ્યા રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે અને ત્યાં મેઘાણીનગરથી અલગ અલગ વસ્તુઓમાં પ્લેનના પાર્ટ્સને પોલીસ એસ્કોર્ટ સાથે લઈ જઈને ગોઠવવામાં આવી રહ્યા છે. હાલ એક જગ્યાએ પ્લેનના પાર્ટ્સ એકત્ર કરીને મૂકવામાં આવશે. ત્યાર બાદ પ્લેનના રિસ્ટ્રક્ચર અને ઇન્વેસ્ટિગેશનની કામગીરી પણ અહીં થશે.

સૂત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે હજી આગામી કેટલાક દિવસ સુધી પ્લેનના બચી ગયેલા કાટમાળને અને નાનામાં નાના જે પણ ભાગ વધ્યા છે એ તમામને લઈ જવામાં આવશે, જ્યાં અલગ અલગ એજન્સીઓ અને તપાસ ટીમ ત્યાં પહોંચશે. જે પ્લેનના સ્ટ્રક્ચર અને અન્ય ઇન્વેસ્ટિગેશન કરવાનું છે એમાં પણ ખાસ કરીને જ્યાં સુધી તપાસ ન પતે ત્યાં સુધી આ જગ્યા પર પ્લેનના પાર્ટ રાખવામાં આવશે. ત્યાર બાદ આ સમગ્ર પ્લેનનો કાટમાળ, એટલે કે બચી ગયેલા અવશેષો એર ઇન્ડિયાને સોંપી દેવામાં આવશે. હાલ સેન્ટ્રલ એજન્સી આ સમગ્ર તપાસમાં આગળ ધપાવી રહી છે.

દુર્ઘટનાના ત્રીજા જ્યારે પ્લેનનો કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો હતો એ દરમિયાન અંદરથી એક એર હોસ્ટેસનો મૃતદેહ મળ્યો હતો, જેને ફાયર વિભાગ અને NDRFના કર્મચારીઓએ કટર મશીનથી છૂટો પાડી, દોરડાથી ખેંચી બહાર કાઢ્યો, જેની સ્થિતિ અરેરાટી ઊપજાવે એવી હતી. પ્લેનના ટેઇલમાંથી મૃતદેહ બહાર કાઢવાનો વીડિયો પણ સામે આવ્યો હતો.

અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાની વૈશ્વિક સ્તરે સંયુક્ત તપાસ થઇ રહી છે. DGCAની સાથોસાથ અમેરિકા અને બ્રિટનની એજન્સીઓ પણ તપાસ કરી રહી છે. 15 જૂને એજન્સીના અધિકારીઓએ ક્રેશ સાઇટની મુલાકાત લીધી હતી. બોઇંગ કંપનીની ટેકનિકલ ટીમ પણ સાથે રહી હતી.

Leave a comment

Trending