ધો.10-12ની પૂરક પરીક્ષાનો આજથી પ્રારંભ

23 જૂનને સોમવારથી રાજ્યભરમાં ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. ખાસ કરીને આ પરીક્ષા બોર્ડની મુખ્ય પરીક્ષામાં નાપાસ થયા હતા, તે વિદ્યાર્થીઓને ફરી એકવાર પાસ થવાની તક મળે તે માટેની છે. આ ઉપરાંત આ વર્ષથી એક મહત્વપૂર્ણ ફેરફાર લાગુ કરવામાં આવ્યો છે. પહેલીવાર જે વિદ્યાર્થીઓ પાસ થઈ ચૂક્યા છે તેઓ પણ પોતાનું પરિણામ સુધારવા માટે ફરીથી આ પરીક્ષા આપી શકશે.

રાજ્યભરમાં કુલ 1.95 લાખ વિદ્યાર્થીઓ આ પૂરક પરીક્ષા આપી રહ્યા છે. રસપ્રદ બાબત એ છે કે, જે વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે, તેઓ એક, બે, અથવા તો તમામ વિષયોની પરીક્ષા ફરીવાર આપી શકશે. આ બંનેમાંથી જે પરિણામ ઊંચું હશે, તે જ માન્ય ગણવામાં આવશે, જે વિદ્યાર્થીઓ માટે એક સુવર્ણ તક સમાન છે. આ પૂરક પરીક્ષાઓ 23 જૂનથી શરૂ થઈને 3 જુલાઈ દરમિયાન યોજાશે. અમદાવાદમાં જ 51 બિલ્ડિંગમાં 19 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

બોર્ડની આ પૂરક પરીક્ષાઓ બોર્ડની નિયમિત પરીક્ષાઓની જેમ જ ચુસ્ત બંદોબસ્ત અને દેખરેખ હેઠળ લેવામાં આવી રહી છે. પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને દરેક વિદ્યાર્થીને તપાસ કરીને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સંપૂર્ણ પરીક્ષા પ્રક્રિયા સીસીટીવી કેમેરાના મોનિટરિંગ હેઠળ ચાલી રહી છે, જેથી કોઈ પણ પ્રકારની ગેરરીતિ અટકાવી શકાય અને પારદર્શિતા જળવાઈ રહે.

આ અંગે આચાર્ય ધવલ પાઠકે જણાવ્યું હતું કે, આ વખતે આજથી SSC અને HSCની પૂરક પરીક્ષા શરૂ થઈ છે. અત્યાર સુધીમાં ફક્ત જે વિદ્યાર્થીઓ 1 કે 2 વિષયમાં નાપાસ થયા હોય તેવા જ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકતા હતા. પરંતુ હવે વિદ્યાર્થીઓ પોતાના પરિણામ સુધારવા માટે પણ ફરીથી પરીક્ષા આપી શકશે. જે વિદ્યાર્થીઓ પાસ છે, પરંતુ પોતાનું પરિણામ સુધારવા ઈચ્છે છે તેવા વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકશે. શાળાઓ દ્વારા પ્રેક્ટિકલ પરીક્ષાને લઈને પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

Leave a comment

Trending