બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં BRICS Summitની તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન, એવા અહેવાલો છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આ સમિટમાં હાજરી નહીં આપે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બ્રાઝિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ડીનર માટે આમંત્રણ આપ્યું હોવાથી જિનપિંગે પોતાનો પ્લાન કેન્સલ કર્યો છે. જોકે, આ અંગે ચીન દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ જો આવું થયું તો એક દાયકામાં આ પહેલી વાર એવું બનશે કે ચીનના રાષ્ટ્રપતિ સમિટમાં હાજરી નહીં આપે.
આ ઉપરાંત બીજું કારણ એવું પણ આપવામાં આવી રહ્યું છે કે જિનપિંગ એક વર્ષથી ઓછા સમયમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાશિયો લુલા દા સિલ્વાને બે વાર મળ્યા છે. આથી એવું બની શકે કે આ કારણે પણ જિનપિંગ આ સમિટમાં હાજરી આપી રહ્યા ન હોય. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
બુધવારે બેઇજિંગમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને જિનપિંગના સમિટમાં હાજરી આપવાના નિર્ણય અંગે હાલ કોઈપણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે બ્રિક્સ સમિટમાં ચીનની હાજરી અંગેની માહિતી યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે.
બ્રિક્સના વર્તમાન અધ્યક્ષ તરીકે બ્રાઝિલ 6-7 જુલાઈના રોજ રિયો ડી જાનેરોમાં 17મી બ્રિક્સ સમિટનું આયોજન કરી રહ્યું છે. શરૂઆતમાં, બ્રિક્સ દેશોમાં ફક્ત બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીનનો સમાવેશ થતો હતો, પરંતુ વર્ષ 2010માં સાઉથ આફ્રિકાને પણ સભ્ય બનાવવામાં આવ્યું હતું. તેમજ વર્ષ 2023માં આ ગ્રુપમાં ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન અને યુનાઇટેડ આરબ એમિરેટ્સને જોડાવા માટે આમંત્રણ આપ્યું અને વર્ષ 2025માં ઇન્ડોનેશિયાને પણ સભ્ય બનાવવામાં આવ્યું છે.






Leave a comment