જી. કે. જન. હોસ્પિ.ના સ્કિન વિભાગના તબીબોએ ચામડીના વિટિલિગો રોગ સામે જાગૃતિ માટે આપ્યો સંદેશ

શરીર ઉપર સફેદ દાગ દેખાય તો વિટિલિગો પણ હોઈ શકે માટે સાવચેતીરૂપે નિદાન જરૂરી

શરીરના કોઈપણ ભાગમાં જો ત્વચા ઉપર સફેદ  રંગનો દાગ  દેખાય તો સતર્ક થઈ જઈ ત્વચા નિષ્ણાતની સલાહ લઈ નિદાન કરાવી લેવા અદાણી સંચાલિત GAIMS જી.કે. જનરલ હોસ્પિટલના ત્વચા રોગના નિષ્ણાતોએ ૨૫મી જૂન વિશ્વ વિટિલિગો (કોઢ) ડે નિમિત્તે જણાવ્યું હતું.આ દિવસનો મુખ્ય હેતુ લોકોમાં આ રોગ વિશે પ્રવર્તતી ગેર માન્યતા અને  કલંક છે  દૂર કરવાના ઉદ્દેશથી મનાવવામાં આવે છે.

હોસ્પિટલના સ્કિન વિભાગના તબીબો આસી.પ્રોફે.ડો. જૂઈ શાહ અને ડો ઐશ્વર્યા રામાણીએ   જણાવ્યું હતું કે,ચામડી ઉપરનો સફેદ દાગ ત્વચાનો એક પ્રકારનો રોગ હોઈ શકે છે, જેને મેડિકલ જગતમાં વિટિલિગો કહેવામાં આવે છે. દવાના ઉપચારથી રોગ દૂર કરી શકાય છે અથવા તો તેને અટકાવી શકાય છે. જો કે દરેક સફેદ દાગ વિટિલિગો નથી માટે જ નિદાન કરવું જરૂરી છે,એમ ડો.ટ્વિંકલ રંગનાનીએ વધુમાં જણાવ્યું હતું.

ડો.મેઘા પટેલ અને ડો.સાક્ષી શાહે  કહ્યું કે,આ સમસ્યા સામાન્ય રીતે કોઈ પણ વયે અને  શરીરના કોઈપણ ભાગમાંથી શરૂ થઈ શકે છે. 

ડો. જય આમલાની અને ડો.નૌશીન શેખે કહ્યું કે,સફેદ દાગ થવાનું મુખ્ય કારણ શરીરની ઓટો ઇમ્યુન સિસ્ટમ છે તેને કારણે ત્વચાના કુદરતી રંગદ્રવ્યનો નાશ થાય છે. પરિણામે ત્વચા તેનો મૂળભૂત રંગ ગુમાવી બેસે છે.આ રોગનું નિદાન  ત્વચા તપાસવાથી કે ક્લિનિકલ પરીક્ષણ દ્વારા થઈ શકે છે.જો કે એ માન્યતા પણ ગલત છે કે વિરુધ્ધ આહાર ખાવાથી આ રોગ થાય છે.

ડો.પ્રેરક કથિરીયા અને ડો. મીરા પટેલ ઉમેર્યું કે,કેટલીક વાર  ભાવનાત્મક તણાવ અને કોઈ મોટી બીમારી કે ઇજા પછી પણ આવા સફેદ દાગ જોવા મળતા હોય છે.જો કે  કોઈ લક્ષણ હોતા નથી.આ રોગ કુલ વસ્તીના એકાદ ટકા લોકોમાં જોવા મળે છે.આ રોગને ફેલાતો અટકાવવા તબીબી સારવાર સર્જીકલ તેમજ જુદીજુદી થેરાપી પણ ઉપલબ્ધ છે. 

જી.કે.માં સર્જીકલ સારવાર જેવી કે પંચ ગ્રાફ્ટિંગ, મેલેનોસાઇટ ટ્રાન્સફર પ્રકારની સર્જરી ઉપલબ્ધ છે. ઉપરાંત યુ.વી.બી. થેરાપી પણ અત્રે આપવામાં આવે છે. આ રોગ ચેપી ન હોવાથી સફેદ દાગ હોય તેવી વ્યક્તિથી દૂર રહેવાની  જરૂર નથી,પણ તેમનો સ્વીકાર કરવાની જરૂર છે એમ તબીબોએ જણાવ્યું હતું.

Leave a comment

Trending