શેરબજારમાં આજે સળંગ ત્રીજા દિવસે આકર્ષક તેજી જોવા મળી છે. વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ દૂર થતાં તેમજ વૈશ્વિક સ્તરે સકારત્મક સંકેતો મળતાં સેન્સેક્સ અને નિફ્ટી 1 ટકાથી વધુ ઉછળ્યા છે. સેન્સેક્સ અંતે 1000.36 પોઈન્ટ (1.21 ટકા) ઉછળી 83755.87 અને નિફ્ટી 304.25 પોઈન્ટ (1.21 ટકા) ઉછાળે 25549 પર બંધ રહ્યો હતો. આ સાથે નિફ્ટી નવ માસની ટોચે પહોંચ્યો છે.
શેરબજારમાં સાર્વત્રિક તેજીના માહોલ વચ્ચે આજે રોકાણકારોની મૂડી 3.46 લાખ કરોડ વધી છે. બીએસઈ ખાતે આજે 260 શેરમાં અપર સર્કિટ વાગી હતી. જ્યારે 127 શેર વર્ષની ટોચે પહોંચ્યા હતાં. મેટલ, બેન્કિંગ, એનર્જી, પાવર સહિતના શેર્સમાં નીચા મથાળે ખરીદી વધતાં ઈન્ડેક્સ 1 ટકાથી વધુ ઉછળ્યા હતાં.
શેરબજારમાં સાર્વત્રિક ઉછાળા વચ્ચે રિયાલ્ટી અને આઈટી શેર્સમાં પ્રોફિક બુકિંગ જોવા મળ્યું હતું. રિયાલ્ટી સેગમેન્ટમાં આજે 1.04 ટકાનો કડાકો નોંધાયો હતો. જ્યારે આઈટી ઈન્ડેક્સ 0.14 ટકા કડાકે બંધ રહ્યો હતો. એશિયન શેરબજારમાં ઉછાળાની પણ સ્થાનિક બજારમાં અસર જોવા મળી હતી. જાપાનનો નિક્કેઈ 225 અને ચીનનો શાંઘાઈ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતાં. અમેરિકન શેરબજારમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો.
વૈશ્વિક સ્તરે સકારાત્મક પરિબળો વચ્ચે આજે ડોલર સામે રૂપિયો મજબૂત બન્યો છે. રૂપિયો 21 પૈસા સુધરી 85.87 પર ક્વોટ થઈ રહ્યો હતો. જેના લીધે શેરબજારને ટેકો મળ્યો છે. ભારતીય શેરબજાર માટે ક્રૂડ ઓઈલના ભાવ અને એફઆઈઆઈ વેચવાલીમાં વધારો પડકારરૂપ બની શકે છે. આરબીઆઈએ તેના જૂન બુલેટિનમાં ભારતનો ઔદ્યોગિક અને સર્વિસ સેક્ટરનો ગ્રોથ મજબૂત રહેવાના સંકેતો આપ્યા છે. વૈશ્વિક પડકારો અને જિઓ-પોલિટિકલ જોખમોની અનિશ્ચિતતાઓ વચ્ચે દેશની આર્થિક ગતિવિધિઓ મજબૂત રહેવાના અંદાજ આપ્યા છે.






Leave a comment