12 જૂન 2025ના રોજ અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનાના 16માં દિવસે મૃતકોના DNA મેચિંગની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. AIના પ્લેન ક્રેશની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં પ્લેનમાં સવાર 241 પેસેન્જર અને ક્રુ ઉપરાંત 19 નોન પેસન્જરના મોત થયા હોવાનું સામે આવ્યું છે. પ્લેનમાં સવારે ભુજના અનિલ ખીમાણી નામના પેસેન્જરના ડીએનએ મેચ થવાના બાકી હતી જેના સેમ્પલ મેચ થતા તેનો મૃતદેહ પરિવારને સોંપાશે.
સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોશીએ જણાવ્યું કે, 240 મુસાફરોના DNA મેચ થઈ ગયા હતા.એક મુસાફરનું DNA મેચ થવાનું બાકી હતું, જેમનું ગઈકાલે મોડી રાતે DNA મેચ થયું છે. આજે તેમના પરિવારને મૃતદેહ સોંપી દેવામાં આવશે. આ મૃતદેહ સોંપ્યા બાદ અત્યાર સુધીના 260 મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે. ગતરોજ એક બ્રિટિશ નાગરિકનો મૃતદેહ પણ તેમના પરિવાર સોંપાવામાં આવતા યુકે લઈ જવામાં આવ્યો હતો.
અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટનાના 16 દિવસ બાદ તમામ DNA મેચ થઈ ગયા છે. અત્યાર સુધી 240 મુસાફરોના DNA મેચ થયા હતા, પરંતુ 1 DNA મેચ થયો નહોતો, જે ગઈકાલે (27 જૂન) મેચ થઈ ગયો છે. આ DNA ભુજના અનિલ ખીમાણી નામમાં 32 વર્ષીય યુવકનો હતો. અનિલ અમદાવાદથી એર ઇન્ડિયાની ફલાઇટમાં લંડન જઈ રહ્યો હતો અને પ્લેન ક્રેશમાં મોત થયું છે. અનિલનો મૃતદેહ આજે તેમના પરિવારને સોંપવામાં આવશે.
વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભુજના દહીંસરના અનિલ લાલજી ખીમાણીનું નામ બોર્ડિંગ લિસ્ટમાં હતું, પરંતુ મૃતકોના સંબંધીઓ સાથે DNA મેચ ન થતા તંત્રએ વધુ સમય માગ્યો હતો. પિતા લાલજીભાઈએ સ્થાનિક તંત્રને રજૂઆત કરી હતી કે, જો બાકી રહેલા મૃતદેહોમાં ઓળખ ન થાય તો ઘટનાસ્થળે અન્ય જગ્યાએ તપાસ કરવામાં આવે.
યુકેથી આવેલા બે મૂળ બ્રિટિશ નાગરિકોના પણ DNA મેચ થયા હતા. આ બંને બ્રિટિશ નાગરિકો લંડનથી અમદાવાદ ફરવા આવ્યા હતા. બંનેના પરિવારના DNA સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી એક નાગરિકનો મૃતદેહ પરિવારને અગાઉ સોંપી દેવામાં આવ્યો હતો, જ્યારે એકનો ગઈકાલે સોંપવામાં આવ્યો છે. બંનેના પરિવાર બંને મૃતદેહ લંડન લઈ ગયા છે.
પ્લેન ક્રેશની ઘટનાના 16 દિવસ બાદ તમામ મુસાફરોના DNA મેચ થયા છે. ઉપરાંત ગ્રાઉન્ડ પર જે લોકોના મોત થયા હતા,તેમના પણ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલ દ્વારા ગઇકાલ સુધીમાં કુલ 259 મૃતકોના મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા હતા.જ્યારે 5 દર્દીઓ સારવાર હેઠળ હતા,જેમાંથી એકને ગઈકાલે રજા આપવામાં આવી છે. સિવિલમાં સારવાર દરમિયાન 4 દર્દીના મોત થયા હતા. આજે છેલ્લો મૃતદેહ પણ પરિવારને સોંપી દેવામાં આવશે.






Leave a comment