ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ચારધામ યાત્રા રોકાઈ

ઉત્તરાખંડમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને ચારધામ યાત્રાને રોકી દેવામાં આવી છે. સીએમ પુષ્કર સિંહ ધામીએ કહ્યું હતું કે યાત્રા ત્યારે જ ફરી શરૂ કરવામાં આવશે જ્યારે યાત્રાનો માર્ગ શ્રદ્ધાળુઓ માટે સંપૂર્ણપણે સુરક્ષિત હશે.

બુધવારે રાત્રે ઉત્તરાખંડમાં કેદારનાથ રૂટ પર સોનપ્રયાગ પાસે ભૂસ્ખલન થયું હતું અને રસ્તો બંધ થઈ ગયો હતો. આ દરમિયાન 40 શ્રદ્ધાળુ ફસાઈ ગયા હતા. SDRF ટીમે ઘટનાસ્થળે પહોંચીને બધાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં વાદળ ફાટતાં અને પૂરને કારણે મૃત્યુઆંક વધીને 13 થયો છે. 29 લોકો હજુ પણ ગુમ છે. ગુરુવારે સવારે 2 મૃતદેહ મળ્યા હતા. ખરાબ હવામાનને કારણે રાહતકાર્ય મુશ્કેલ બની શકે છે, કારણ કે હવામાન વિભાગે ઘણા જિલ્લાઓમાં પૂરની ચેતવણી જારી કરી છે.

હવામાન વિભાગે આજે રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત 11 રાજ્યમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજસ્થાનમાં છેલ્લા 4 દિવસથી વરસાદ ચાલુ છે. બુધવારે ભારે વરસાદ બાદ અજમેર શરીફ દરગાહ સંકુલ 2 ફૂટ પાણીથી ભરાઈ ગયું હતું.

ભારે વરસાદ દરમિયાન દરગાહ પરિસરમાં બનેલા વરંડાની છતનો એક ભાગ પણ તૂટી પડ્યો હતો, જોકે આ દરમિયાન કોઈને ઈજા થઈ નથી. દરગાહ સમિતિએ એ વિસ્તારમાં લોકોની અવરજવર બંધ કરી દીધી છે.

છત્તીસગઢના કોરબામાં બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. કોર્પોરેશન વિસ્તારના ચીમની ભટ્ટા વિસ્તારમાં વરસાદી પાણી ઘણા ઘરોમાં ઘૂસી ગયા છે. નાળામાં ભરાયેલો કચરો લોકોના ઘરમાં ઘૂસી રહ્યો છે. સતત વરસાદને કારણે નદીઓ અને નાળા છલકાઈ રહ્યા છે.

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં સતત વરસાદને કારણે, ગંગોત્રી હાઇવે પર ભટવાડી નજીક જમીન ધસી પડી છે. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO)ની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રસ્તો સાફ કરવામાં વ્યસ્ત છે. બીજી તરફ, યમુનોત્રી હાઇવે પર ઓજરી અને બનાસ (હનુમાન ચટ્ટી) નજીક ભૂસ્ખલન અને રસ્તાના ધોવાણને કારણે માર્ગ અવરોધિત થયો છે.

ઉત્તરકાશી પોલીસે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે આ તમામ સ્થળોએ રસ્તાઓ ખોલવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. SDRF, NDRF, પોલીસ અને વન વિભાગની ટીમો વરસાદને કારણે ફસાયેલા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકોને કામચલાઉ રસ્તાઓ અને પગપાળા માર્ગ દ્વારા સુરક્ષિત સ્થળોએ લઈ જઈ રહી છે.

Leave a comment

Trending