લગભગ 20 વર્ષ બાદ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક સાથે મંચ પર જોવા મળ્યા

મહારાષ્ટ્રના રાજકારણમાં આજનો દિવસ ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવે છે. લાંબા સમયથી જે મુદ્દે અટકળો ચાલી રહી હતી, આજે તે હકીકત બની છે. લગભગ 20 વર્ષ બાદ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે આજે એક સાથે મંચ પર જોવા મળ્યા છે, એ પણ પરિવારની સાથે. બંને ભાઈ વર્લીમાં મરાઠી વિજય દિવસ ઉજવવાના નામ પર સ્ટેજ શેર કરી રહ્યા છે. રાજ ઠાકરે તેમની પત્ની શર્મિલા અને પુત્ર અમિત ઠાકરે અને પુત્રી ઉર્વશી સાથે આ મુલાકાત માટે પહોંચ્યા હતા. ઉદ્ધવ ઠાકરે પણ તેમના પરિવાર સાથે પહોંચ્યા હતા, જેમાં તેમની પત્ની રશ્મિ અને પુત્રો આદિત્ય અને તેજસનો સમાવેશ થતો હતો. પરંતુ, હવે સવાલ થઈ રહ્યા છે કે, આ બંને ભાઈઓનું સાથે આવવું શું કોઈ મોટો બદલાવ લાવી શકે છે? 

આ દરમિયાન, રાજ ઠાકરેએ કહ્યું, “મેં મારા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારું મહારાષ્ટ્ર કોઈપણ રાજકારણ અને લડાઈ કરતાં મોટું છે. આજે 20 વર્ષ પછી, હું અને ઉદ્ધવ સાથે આવ્યા છીએ, જે બાળાસાહેબ ન કરી શક્યા, તે દેવેન્દ્ર ફડણવીસે કર્યું. અમને બંનેને સાથે લાવવાનું કામ.”

વધુ વાત કરતા રાજ ઠાકરેએ કહ્યું કે, ‘અમારા બાળકો ઇંગ્લિશ મીડિયમમાં જાય છે તો મરાઠી પર સવાલ ઊભા થાય છે.અમે હિન્દી થોપવાનું સહન નહીં કરીએ. આ લોકો મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવા ઈચ્છે છે, આ જ તેમનો એજન્ડા છે. પરંતુ, તેઓ આવું કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેમને મરાઠી માનિસની તાકાત સમજ આવશે. તેઓ મુદ્દાને ભટકાવવાનો પ્રયાસ કરે છે. હવે તેઓ કહી રહ્યા છે કે, ઠાકરેના બાળકો અંગ્રેજીમાં ભણે છે, શું બકવાસ છે? અનેક ભાજપ નેતાઓના બાળકો અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરે છે. પરંતુ, કોઈને તેમના હિન્દુત્વ પર શંકા છે?  આ ત્રિભાષા સૂત્ર ક્યાંથી લઈને આવ્યા? નાના-નાના બાળકો સાથે જબરદસ્તી કરશો? 

રાજ ઠાકરેએ કહ્યું, કે ‘તમારી પાસે વિધાનસભામાં સત્તા હશે, અમારી પાસે રસ્તા પર સત્તા છે. જે બાળાસાહેબ ન કરી શક્યા એ ફડણવીસે કરી બતાવ્યું, અમને બે ભાઈઓને એક કર્યા. અમે 125 વર્ષ સુધી મરાઠાઓએ રાજ કર્યું, અમે કોઈના પર મરાઠી થોપવાનો પ્રયાસ નથી કર્યો. મીરા રોડ પર એક શખસે ગુજરાતીને થપ્પડ મારી, પણ શું કોઈના માથે લખ્યું છે કે તે ગુજરાતી છે? હજુ તો અમે કશું કર્યું પણ નથી! કારણ વગર મારામારીની જરૂર નથી પણ કોઈ નાટક કરશે તો કાનની નીચે બજાવવી જ પડશે. હવે ધ્યાન રાખજો, આવું કશું કરો ને ત્યારે વીડિયો ન બનાવતા, સમજી ગયા ને? આ લોકો મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવા માંગે છે.’

આ સભામાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, અમે સાથે રહેવા માટે સાથે આવ્યા છીએ. તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ‘તેમણે ઉપયોગ કરીને ફેંકી દેવાની નીતિ શરૂ કરી છે, તેથી હવે તેઓ તમને બહાર કાઢી દેશે. તમે બધાની શાળાઓ શોધી રહ્યા છો. મોદી કઈ શાળામાં જાય છે? હિન્દુત્વ એકાધિકાર નથી. અમે મૂળથી હિન્દુ છીએ. તમારે અમેનિ હિન્દુ ધર્મ શીખવાડવાની જરૂર નથી. મુંબઈમાં 92ના રમખાણોમાં મારાઠી લોકોએ જ હિન્દુઓને બચાવ્યા હતા. ફડણવીસે કહ્યું કે, ગુંડાગીરી સહન નહીં કરીએ, પરંતુ જો પોતાની ભાષા માટે લડવું ગુંડાગીરી છે, તો અમે ગુંડા છીએ. 

મહાયુતિ ગઠબંધન પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, ‘હવે આ લોકો પૂછી રહ્યા છે કે, શું અમે મરાઠી નથી? હવે આ પુરવાર કરવા માટે લોહીનું પરીક્ષણ કરાવવું પડશે કે તમે મરાઠી છો કે નહીં? પહેલા રાજકારણીઓ નહતા ઈચ્છતા કે, મહારાષ્ટ્રમાં મરાઠી હોય. હવે કેન્દ્ર સરકાર ઈચ્છે છે હિન્દી, હિન્દુ, હિન્દુસ્તાન. અમને હિન્દુ અને હિન્દુસ્તાન તો મંજૂર છે, પરંતુ હિન્દુ નહીં. હિન્દી થોપવાનું બંધ કરો. તમારી સાત પેઢી ખતમ થઈ જશે પરંતુ અમે આ થવા નહીં દઈએ. અમે હનુમાન ચાલીસા, જય શ્રી રામના વિરોધી નથી, પરંતુ તમને મરાઠીથી શું તકલીફ છે? 

રેલીને લઈને શિવસેના (યુબીટી) સાંસદ સંજય રાઉતે કહ્યું કે, ‘આ મહારાષ્ટ્રમાં આપણાં બધા માટે તહેવારની જેમ છે, ઠાકરે પરિવારના બે પ્રમુખ નેતા, જે પોતાની રાજકીય વિચારધારાઓના કારણે અલગ થયા હતા, તે હવે 20 વર્ષ બાદ એક સાથે આવી રહ્યા છે. અમારી હંમેશાથી એ ઈચ્છા રહી છે કે, આપણે એવા લોકો સાથે લડવું જોઈએ જે મહારાષ્ટ્રના લોકોની વિરૂદ્ધમાં છે. આજે એકસાથે ઉદ્ધવ અને રાજ ઠાકરે નિશ્ચિંત રૂપે મરાઠી માનુષને દિશા આપશે.’

આ રેલીને ‘મરાઠી એકતાની જીત’ના રૂપે ઉજવવામાં આવી રહી છે અને તેમાં સાહિત્યકાર, શિક્ષક, કલાકાર, કવિ, પત્રકાર અને મરાઠી પ્રેમી મોટી સંખ્યામાં સામેલ થશે. વર્લી ડોમમાં 7000-8000 લોકોની બેસવાની વ્યવસ્થા છે અને વધારાની ભીડ બહાર અને આસપાસના રસ્તા પરની LED સ્ક્રીન પર જોઈ શકશે. આ રેલીના માધ્યમથી ઠાકરે બંધુ એ સંદેશ પણ આપવા ઈચ્છે છે કે, મરાછી સ્વાભિમાન અને ભાષા માટે હવે રાજકીય મતભેદોથી ઉપર ઉઠવાની જરૂર છે. જોકે, આ મંચ પર શરદ પવાર અને કોંગ્રેસ નેતા હર્ષવર્ધન સપકાલની ગેરહાજરી પણ ચર્ચાનો વિષય છે. મનસે તરફથી નિમંત્રણ મોકલવામાં આવ્યું છે, પરંતુ તે રેલીમાં સામેલ નથી થઈ રહ્યા. 

ભાજપ સાંસદ નારાયણ રાણે અને શિવસેના (શિંદે જૂથ)ના રામદાસ કદમે આ એકજૂટતાને આગામી BMC ચૂંટણીમાં સુસંગતતા જાળવી રાખવા માટે એક યુક્તિ ગણાવી છે. તે જ સમયે, મનસે નેતા પ્રકાશ મહાજને આશા વ્યક્ત કરી કે આ પ્લેટફોર્મ મરાઠી સમાજની એકતા અને સન્માનનું પ્રતીક બનશે.

હવે પ્રશ્ન એ છે કે, શું ઠાકરે બંધુઓનું આ ‘મરાઠી ગઠબંધન’ ફક્ત મંચ સુધી સીમિત રહેશે અથવા આગળ વધીને રાજકીય સમીકરણોમાં પણ મોટો બદલાવ લાવશે? શું આ મુંબઈના રાજકારણમાં મરાઠી ઓળખના પુનર્જાગરણનો સંકેત છે? 

Leave a comment

Trending