વડોદરાના PT (શારીરિક તાલીમ) શિક્ષિકા અંજના રોહિતે તાજેતરમાં કર્ણાટકમાં યોજાયેલી 51મી પુરુષો અને 43મી મહિલા ઓપન નેશનલ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025માં એકંદરે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેમણે પાવરલિફ્ટિંગમાં -52 કેટેગરીમાં સ્ક્વોટ્સમાં સિલ્વર, બેન્ચ પ્રેસમાં ગોલ્ડ અને ડેડલિફ્ટમાં બ્રોન્ઝ જીત્યો છે, જેના પરિણામે તેમને એકંદરે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો છે.
અંજના રોહિત વડોદરાની એક ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમણે વર્ષ 2017માં પાવરલિફ્ટિંગ શરૂ કર્યું હતું. બાદમાં જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લીધો છે અને 10થી વધુ વખત રાજ્ય સ્તરે ગુજરાતની સ્ટ્રોંગ વુમન તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે. વધુમાં SGFI ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ પણ જીત્યો છે.
અંજના રમત-ગમતના શોખીન છે અને તેમણે કબડ્ડી ખેલાડી તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ, તેઓ પાવરલિફ્ટિંગ તરફ વળ્યાં અને ત્યારથી દેશભરમાં રમાયેલી અસંખ્ય ચેમ્પિયનશિપમાં પોતાની પ્રતિભા સાબિત કરી રહ્યા છે. તેમની પ્રથમ રાજ્ય સ્પર્ધામાં ગોલ્ડ અને જમ્મુ ખાતે તેમની પ્રથમ રાષ્ટ્રીય સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યા. તેઓ દરરોજ ત્રણથી ચાર કલાક પ્રેક્ટિસ કરે છે અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું સ્વપ્ન જીવી રહ્યા છે.






Leave a comment