જી કે જન હોસ્પિ.માં પ્લાસ્ટિક સર્જરી વિભાગ શરૂ થયાને ૪ માસમાં ૮૮ સર્જરી કરાઈ

કેટલીક જન્મજાત ખોડ ખાંપણ,ચોટ લાગવી, બીમારી, કે દાઝી જવાને કારણે શરીરમાં સર્જાયેલી ખોટના પુનઃનિર્માણની સર્જરી માટે છેલ્લા ચાર માસથી અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલમાં શરૂ થયેલા આધુનિક પ્લાસ્ટિક સર્જરી ચિકિત્સા વિભાગમાં અત્યાર સુધી અંદાજે ૮૮ પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી છે.

હોસ્પિટલના પ્લાસ્ટિક વિભાગના વડા ડો. મહાલક્ષ્મી પિલ્લાઈએ ૧૫મી જુલાઈ વિશ્વ પ્લાસ્ટિક સર્જરી દિવસ નિમિત્તે કહ્યું કે,આ સર્જરી  માત્ર સૌંદર્ય વધારવા માટે જ નહીં પણ અનેક સામાજિક શારીરિક અને માનસિક ફાયદાઓ માટે પણ કરવામાં આવે છે.

જેમકે  આત્મવિશ્વાસ વધે છે અને તેનાથી ડિપ્રેશન  કે ઘટતા જતા મોરલ જેવી માનસિક સમસ્યાઓમાં પણ રાહત મળે છે.

અત્રે થયેલા ૮૮ ઓપરેશન પૈકી ચામડી ચોંટાડવી, સ્નાયુ, નસ ને લગતી, માઈક્રો વાસ્ક્યુલર,ચહેરા પર થતી ઈજાઓ, તથા ચહેરાના હાડકાના ફ્રેક્ચર્સ, હાથ અને આંગળીઓની ઇજા, દાઝેલા ભાગના ખોડ ખાંપણ, ડાઘ દૂર કરવા, ડાયાબિટીસને લીધે પગના સડાની, પ્રાણીના બચકા ભર્યા પછીની હાલત  તેમજ લોહીની ગાંઠ અને તેને લગતી સારવાર અને સર્જરી કરવામાં આવે છે એમ ડો.મહાલક્ષ્મીએ ઉમેર્યું હતું.

રેસિ.ડો.હિમાંશી વાઘમશીના જણાવ્યા મુજબ દુર્ઘટના બાદ દાઝના નિશાન કે શારીરિક ત્વચાની અસામાન્ય વિકૃતિઓને સુધારવા માટે પ્લાસ્ટિક સર્જરી અત્યંત મહત્ત્વપૂર્ણ છે. જલનથી થયેલા ઘા, ઈન્ફેક્શન  દૂર કરવા માટે પ્લાસ્ટિક સર્જરી ખૂબ અસરકારક છે. આવા દર્દીઓ માટે સ્કિન ગ્રાફ્ટિંગ, ફ્લેપ સર્જરી જેવા ઉપચાર જીવન બદલાવી શકે છે.

ટ્રોમામાં દૂષિત થયેલા હાથ કે પગની પુનઃસ્થાપન સર્જરી વ્યક્તિને કામ પર પાછા ફરવામાં સહાય કરે છે.

આધુનિક પ્લાસ્ટિક સર્જરીમાં માઇક્રોસર્જરી, એસ્ટેટિક ટેકનિક્સ અને મિનિમલી ઇન્વેસિવ પદ્ધતિઓ દ્વારા ઓછી પીડા, ઓછા ડાઘ અને ઝડપી આરોગ્યલાભ થાય છે.

Leave a comment

Trending