બેંગ્લુરૂમાં નાસભાગનું ઠીકરું RCB પર ફોડાયું

બેંગ્લુરૂમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂની જીતની ઉજવણી દરમિયાન મચેલી નાસભાગના કેસમાં કર્ણાટક સરકારે હાઈકોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં સમગ્ર ઘટના માટે વિરાટ કોહલીને જવાબદાર ઠેરવવામાં આવ્યો છે. જેમાં અનેક પ્રકારની ગંભીર બેદરકારી થઈ હોવાનો પણ ઉલ્લેખ છે. 

આઈપીએલ 2025માં આરસીબીની જીતની ઉજવણી કરવા બેંગ્લુરૂમાં 4 જૂનના રોજ ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાસભાગ મચતાં 11 લોકોના મોત નીપજ્યા હતાં. આ દુર્ઘટનાના રિપોર્ટમાં કર્ણાટક સરકારે દર્શાવ્યું છે કે, વિરાટ કોહલીએ વીડિયોમાં પોતાના ચાહકોને ફ્રીમાં વિક્ટરી પરેડમાં જોડાવા અપીલ કરી હતી. જેના લીધે ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. નાસભાગ માટે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલે આરસીબીને જવાબદાર ઠેરવી હતી. આરસીબીએ પોલીસની મંજૂરી વિના જ સોશિયલ મીડિયા પર અચાનક વિક્ટરી પરેડની જાહેરાત કરી દીધી હતી. જેથી લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં. 

કર્ણાટક સરકાર દ્વારા બેંગ્લુરૂમાં થયેલી નાસભાગ મુદ્દે રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં અનેક ગંભીર બેદરકારી અને ગેરવહીવટ થયો હોવાનું જણાવ્યું છે. મંજૂરી વિના જ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજક DNA Networks Pvt. Ltd એ 3 જૂનના રોજ પોલીસને આ કાર્યક્રમની માત્ર સૂચના આપી હતી. પરંતુ 2009ના આદેશ અનુસાર તેમણે અનિવાર્ય કોઈ મંજૂરી લીધી ન હતી. જેથી પોલીસે તેમને મંજૂરી આપવાનો ઈનકાર કર્યો હતો.

બેંગ્લુરૂ પોલીસે ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખતાં વિક્ટરી પરેડને મંજૂરી આપી ન હતી, તેમ છતાં આરસીબીએ સોશિયલ મીડિયા પર ચાર જૂનના રોજ જાહેરમાં ઈવેન્ટનો પ્રચાર કર્યો. વિરાટ કોહલીએ પોતાના ચાહકોને મફતમાં વિક્ટરી પરેડમાં જોડાવા અપીલ કરી હતી.

બેંગ્લુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આરસીબીના સન્માન સમારોહમાં પણ મફત એન્ટ્રીના કારણે ત્રણ લાખથી વધુ સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. જેનાથી સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા ખોરવાઈ હતી. કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં જ બપોરે 3.14 વાગ્યે આયોજકે અચાનક જાહેરાત કરી હતી કે, સ્ટેડિયમમાં એન્ટ્રી માટે પાસ જરૂરી રહેશે. જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.  આરસીબી, ડીએનએ, અને કેએસસીએ (કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન) વચ્ચે સમન્વયની ઉણપ જોવા મળી હતી. એન્ટ્રી ગેટ શરૂ કરવામાં વિલંબ અને અવ્યવસ્થાના કારણે નાસભાગ મચી હતી. જેમાં સાત પોલીસ કર્મી ઘવાયા હતા.

આટલી મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડતાં અને નાસભાગની દુર્ઘટના બાદ પરિસ્થિતિ વણસે નહીં, તેથી પોલીસે નાનો અને સીમિત કાર્યક્રમ કરવાની મંજૂરી આપી હતી. ઘટના બાદ મેજિસ્ટ્રેટ અને ન્યાયિક તપાસ શરૂ થઈ હતી. એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી. અમુક પોલીસ અધિકારીઓ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રીના રાજકીય સચિવને સસ્પેન્ડ કર્યા હતાં. ઈન્ટેલિજન્સ ચીફની બદલી તેમજ ઘાયલોને વળતર આપવાની જાહેરાત થઈ હતી.

Leave a comment

Trending