જી.કે.જન.હોસ્પિ.ના સ્કિન વિભાગ આયોજિત વર્કશોપમાં ગુજરાત અને મહારાષ્ટ્રના ખ્યાતનામ સ્કિન સર્જનોએ ૧૦ દર્દીઓ ઉપર ઓપરેશન કરી આપી તાલીમ

કચ્છમાં ચામડીના જટિલ રોગના ઓપરેશન ઘર આંગણે કરી શકશે

અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલના સ્કિન વિભાગ અંતર્ગત ગુજરાત અને મહારાષ્ટ્રના રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ સ્કિન સર્જનો દ્વારા ત્વચાના જટિલ રોગ માટે ઓપરેશન (ડાર્મેટોસર્જરી) અંગે વર્કશોપ યોજાયો હતો, જેમાં હોસ્પિટલના સ્કિન રોગના નિષ્ણાતો અને વિધાર્થીઓને  ચામડીના વિવિધ રોગના ૧૦ દર્દીઓ ઉપર  ડાર્મેટોસર્જન્સે ઓપરેશનનું જીવંત નિદર્શન કરી તાલીમ આપી હતી.

એસોસિયેશન ઓફ ક્યુટેનિયસ સર્જન્સ ઓફ ઇન્ડિયાના ઉપક્રમે યોજાયેલા આ વર્કશોપમાં  કોઢ, ખીલના ખાડા, કિલોઇડ, રસોડી, ચરબીની ગાંઠ, ઝેન્થેલેસ્મા, નખ વિગેરેના  ઓપરેશન કરાયા હતાં. ભાગ લેનારા તબીબો અને વિધાર્થીઓ પ્રેક્ટિસ કરી શકે એ માટે હેન્ડ્સ-ઓન સ્યુચર કિટ્સ આપવામાં આવી હતી.  

અદાણી મેડિકલ કોલેજ ખાતે GAIMSના મેડિકલ ડાયરેકટર ડો.બાલાજી પિલ્લાઈ,ચીફ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો નરેન્દ્ર હિરાણી અને ડીન ડો. એ.એન.ઘોષના વડપણ હેઠળના  આ તાલીમી વર્કશોપમાં  મુખ્ય ફેકલ્ટી તરીકે સુરતથી ડૉ.યોગેશ ભીંગરાડિયા, વાપીથી ડૉ.સમકિત શાહ, અમદાવાદથી ડૉ.મોનલ સાધવાણી અને પુને થી ડૉ.સપના પારેખ અને ડૉ.તેજસ્વિની સલુંકેએ સર્જિકલ માર્ગદર્શન આપ્યું હતું.

ડો.યોગેશ ભીંગરાડિયાએ કહ્યું કે,કચ્છમાં  સ્કિનના  જટિલ રોગનું  ઘર આંગણે ઓપરેશન કરી શકાય એ માટે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જે કચ્છ જેવા અંતરિયાળ વિસ્તાર  માટે આશીર્વાદરૂપ બનશે એમ તેમણે ઉમેર્યું હતું.

હોસ્પિટલના ત્વચા નિષ્ણાત ડો.દેવેન્દ્ર પરમાર અને ડો.જૂઈ શાહે જણાવ્યું કે,કચ્છમાં ચામડીના  રોગને ઓપરેશનથી દૂર કરવા પ્રથમ વાર આ વર્કશોપ યોજાયો હતો,જેની ફળશ્રુતિ રૂપે તબીબો તાલીમબદ્ધ થતાં તેઓ અત્રે ઓપરેશન કરી શકશે.આ પ્રકારના આયોજનથી તબીબી વિધાર્થીઓને પણ તાલીમની નવી દિશા મળી છે.એમ ડો.ઐશ્વર્યા રામાણીએ જણાવ્યું હતું.

કચ્છ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી  અનુસંધાનકર્તા ડોક્ટરો અને રેસિડન્ટ્સ જેમાં  ડૉ.પ્રેરક કથીરીયા, ડૉ.મીરા પટેલ, ડૉ.જય અમલની, ડૉ.નૌશીન શેખ, ડૉ.સાક્ષી શાહ અને ડૉ.મેધા પટેલ વગેરેએ  જોડાઈ આ વર્કશોપને સફળ બનાવ્યો હતો.આ પ્રસંગે આસિ.ડીન ડો.અજીત ખીલનાની ઉપસ્થિત રહ્યા હતા.

Leave a comment

Trending