જી. કે. જન. હોસ્પિ.ના ઈમરજન્સી અને મેડિસિન વિભાગની સમયસૂચકતા રંગ લાવી

જીવલેણ એલર્જીના એટેકથી બેભાન બનેલા યુવાનને તાત્કાલિક ઇમરજન્સી સારવાર આપી બચાવ્યો

અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં તાજેતરમાં એનાફાઇલેક્ટિક શોક અર્થાત એલર્જીની ગંભીર અને જીવલેણ કહી શકાય તેવી અસરની પ્રતિક્રિયારૂપે બેભાન અવસ્થામાં આવેલા યુવાનને વેન્ટિલેટર સપોર્ટ અને મેડિસિન વિભાગના તબીબોની  સમયસૂચકતા અને સારવારની મદદથી બચાવી લીધો હતો.

હોસ્પિટલના ઈમરજન્સી વિભાગના ડો.સંકેત પટેલના જણાવ્યા મુજબ હર્ષદ પૂર્ણિયા(નામ બદલાવ્યું છે) નામક યુવાનને અત્રે લાવવામાંઆવ્યો ત્યારે બેભાન સ્થિતિમાં હતો સાથે લો પ્રેશર,ચહેરા ઉપર સુઝન અને ઝડપી શ્વાસોચ્છવાસ જેવા લક્ષણો હતા.

ઇમરજન્સી વિભાગના તબીબો ડો.શિવમ ભાનુશાલી અને ડો.રાહુલસિંહ જાડેજાએ દર્દીના નિકટજનો પાસેથી જાણેલી વિગતો મુજબ યુવાને પેન કિલર ઇન્જેક્શન અગરતો કોઈ ઝેરી જંતુએ ડંખ માર્યો હોય એવા અનુમાન સાથે એનાફાઈલેક્ટિક શોકનું નિદાન કર્યું અને તે મુજબ વેન્ટિલેટર સપોર્ટ સિસ્ટમ ઉપર મૂકી જરૂરી લેબ.ટેસ્ટ પણ કરાવી લીધા. ઇમરજન્સી સારવાર બાદ મેડિસિન વિભાગના ડો. જયંતી સથવારાની દેખરેખ હેઠળ ICU સારવાર અપાઈ.યોગ્ય અને ઝડપી  સારવારને લઈ સંપૂર્ણ સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ અપાયો.

એનાફાઈલેક્ટિક શોક શું છે અને સાવચેતીના ઉપાયો:

એનાફાઈલેક્ટિક શોક એ જીવલેણ અને ગંભીર એલર્જી પ્રતિક્રિયા છે, જેની શરીરને એલર્જી હોય તેના સંપર્કમાં આવવાથી  અથવા જંતુ કરડવાથી શરીરની પ્રણાલી પર અસર કરે છે અને અચાનક જ ગંભીર સ્વરૂપમાં ફેરવાઈ જાય છે.

સાવચેતી રૂપે જે  ચીજ વસ્તુની એલર્જી હોય તેનાથી દૂર રહેવું.આવી એલર્જીથી શ્વાસમાં તકલીફ,ત્વચામાં પરિવર્તન,પેટમાં આંટી,ઉલટી,બીપી ઘટવું,ગભરાટ વિગેરે થાય છે.વ્યક્તિએ પોતાનો એલર્જી ઇતિહાસ જાણી લેવો અને સારવાર પહેલા દરેક તબીબને જણાવવું,એલર્જી કાર્ડ સાથે રાખવું,એલર્જી આપતી દવા,ખોરાક અને જીવલેણ જંતુથી દૂર રહેવું,નજીકની હોસ્પિટલની માહિતી હાથવગી રાખવી,આસપાસના લોકો અને સંસ્થાને એલર્જીની માહિતી આપવી.

Leave a comment

Trending