રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા છેલ્લા 2 વર્ષથી PHD પ્રવેશ પરીક્ષા રદ કરવાના નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર જોખમ તોળાઈ રહ્યું છે. આ ગંભીર મુદ્દે વિદ્યાર્થી સંગઠન NSUI મેદાનમાં આવ્યું છે. NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ યુનિવર્સિટીના મનસ્વી નિર્ણયનો ઉગ્ર વિરોધ કર્યો છે અને તાત્કાલિક ધોરણે PHD પ્રવેશ પરીક્ષાની નવી તારીખ જાહેર કરવાની માંગ કરી છે. જો આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
નરેન્દ્ર સોલંકીએ યુનિવર્સિટીના સતાધીશો ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેઓએ જણાવ્યું કે, છેલ્લા 2 વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા PHDની એન્ટ્રન્સ એક્ઝામ બંધ કરી દેવામાં આવી છે. આ માટે યુનિવર્સિટી UGCની ગાઈડલાઈન્સનું બહાનું આપી રહી છે, જે તદ્દન ખોટું છે. જો UGCની ગાઈડલાઈન્સનું પાલન કરવાનું હોય તો ગુજરાતની તમામ યુનિવર્સિટીઓ માટે ગાઈડલાઈન સરખી હોવી જોઈએ તો પછી ગુજરાત યુનિવર્સિટી, સુરત યુનિવર્સિટી, વીર નર્મદ યુનિવર્સિટી જેવી સંસ્થાઓ શા માટે પ્રવેશ પરીક્ષા લઈ રહી છે? શું UGCની ગાઈડલાઈન્સ માત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને જ લાગુ પડે છે?
આ મામલે રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસेરિયા પર પણ સીધા પ્રહારો કર્યા હતા. તેમણે એક ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે, મોટો સવાલ એ છે કે રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસુરિયા પોતે આ વર્ષે PHDની એન્ટ્રન્સ એક્ઝામ આપીને એડમિશન લે છે. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીએ યુનિવર્સિટીનું શુ બગાડ્યું છે કે તેમની પરીક્ષા રદ કરી દેવામાં આવી છે? ઘટનાને શિક્ષણમંત્રીના બેવડા માપદંડ અને સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ સાથેના અન્યાય તરીકે ગણાવતા તેમણે સ્પષ્ટ કહ્યું કે, આ પ્રકારનું ભેદભાવપૂર્ણ વલણ ચલાવી લેવામાં આવશે નહીં અને NSUI હજારો વિદ્યાર્થીઓના હિત માટે લડત ચલાવશે.
વધુમાં તેઓએ જણાવ્યું કે, અમારી પહેલાં પણ માંગ હતી અને આજે પણ માંગ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર આ મામલે તાત્કાલિક નિર્ણય લે. PHD પ્રવેશ પરીક્ષા તારીખ તાત્કાલિક ધોરણે જાહેર કરવામાં આવે, જેથી સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓનું ભવિષ્ય બચી શકે. તેમણે યુનિવર્સિટીના સત્તાધીશોને ચેતવણી આપતા જણાવ્યું કે, જો આગામી દિવસોમાં આ યુનિવર્સિટી અને વાઇસ ચાન્સેલર દ્વારા કોઈપણ પગલાં લેવામાં નહીં આવે અને વિદ્યાર્થીઓના હિતમાં સકારાત્મક નિર્ણય નહીં લેવાય તો આવનારા દિવસોમાં NSUI દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન આ યુનિવર્સિટીમાં કરવામાં આવશે.






Leave a comment