પર્યટન સ્થળ મસૂરી જવા માટે હવે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત

ઉત્તરાખંડ સરકારે હિલ્સની રાણી એટલે કે મસૂરીની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે એક નવો નિયમ લાગુ કર્યો છે. રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા મસૂરીમાં વધતી ભીડ અને ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે પ્રવાસીઓની નોંધણી ફરજિયાત કરી દીધી છે. આ નવો નિયમ 30 જુલાઈથી અમલમાં આવ્યો છે.

એક માહિતી પ્રમાણે, મસૂરીમાં ત્રણ સ્થળોએ ઓટોમેટેડ નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) કેમેરા લગાવવામાં આવ્યા છે, જેમાં કિમારી, કેમ્પ્ટી ફોલ્સ અને કુથલ ગેટ, જે વાહનોની નંબર પ્લેટને રેકોર્ડ કરશે. આ સિસ્ટમ ટ્રાફિક વ્યવસ્થાપનમાં મદદ કરશે.

આ અંગે ઉત્તરાખંડના પ્રવાસન સચિવ ધીરજ ગરબ્યાલે જણાવ્યું હતું કે, મસૂરીમાં પ્રવાસીઓનું આગમન ખાસ કરીને ઉનાળાની રજાઓ, શિયાળાની રજાઓ અને વીક એન્ડ દરમિયાન ખૂબ જ ભીડ જોવા મળતી હોય છે.

તેમણે કહ્યું, ‘NGT ના આદેશ પછી અમે મસૂરીની વહન ક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે ડેટા એકત્રિત કરી રહ્યા છીએ. આ રજીસ્ટ્રેશન સિસ્ટમ અમને ખ્યાલ આવશે કે, મસૂરીમાં કયા સમયે કેટલા પ્રવાસીઓ હાજર છે.’ ગરબ્યાલે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, હાલમાં નોંધણી ફરજિયાત નથી અને શરૂઆતના તબક્કામાં તેને ફરજિયાત નથી કર્યું. હોટલો પણ તેમના મહેમાનો માટે નોંધણી કરાવી શકે છે.

આ સાથે જિલ્લા પ્રવાસન અધિકારી બ્રિજેન્દ્ર પાંડેએ જણાવ્યું હતું કે હોટલ, ગેસ્ટ હાઉસ, હોમસ્ટે અને આવી અન્ય સુવિધાઓ ધરાવતા લોકોએ પહેલા પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને ચેક-ઈન સમયે તેમના મહેમાનોનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

પાંડેએ કહ્યું કે, ‘મસૂરીમાં વધતી ભીડ અને ટ્રાફિક સમસ્યાને ટાળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવો નિયમ લાગુ કરવો પડશે, કારણ કે 2022 અને 2024 વચ્ચે શહેરમાં આવતા પ્રવાસીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. આ પગલું શહેરમાં પ્રવાસીઓની સંખ્યા વિશે વાસ્તવિક સમયનો ડેટા મળી શકશે. આ સાથે હોટેલ માલિકોને નવા નિયમનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે.’

આ પહેલા મે મહિનાની શરૂઆતમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) એ રાજ્ય સરકારને હિલ સ્ટેશનોમાં પ્રવાસીઓની નોંધણી શરૂ કરવા અને નિયમિત રીતે ડેટા આપવા સૂચના આપવામાં આવી છે. 

રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. પ્રવાસીઓએ registrationtouristcare.uk.gov.in પોર્ટલ પર જઈને નોંધણી કરાવવાની રહેશે. જેમા આધાર કાર્ડ નંબર, વાહન (ટુ-વ્હીલર કે ફોર-વ્હીલર) ની વિગતો અને તમારા શહેરનું નામ દાખલ કરવાનું રહેશે.

Leave a comment

Trending