વર્તમાન ઓગસ્ટ માસમાં વાર, તહેવાર,મેળા મલાખડા અને સ્વાતંત્ર્ય દિનની ઉજવણી વચ્ચે પણ કચ્છના રક્ત દાતાઓને જરૂરિયાતમંદ દર્દીઓને બ્લડ પૂરું પાડી શકાય એ માટે રક્તદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના બ્લડ બેન્કના હેડ ડૉ. જીજ્ઞાબેન ઉપાધ્યાયના જણાવ્યા મુજબ ગત જુલાઈ માસમાં વરસાદ જેવા વાતાવરણમાં પણ જિલ્લામાંથી ૫૪૩ યુનિટ રક્તનો જથ્થો પ્રાપ્ય થયો હતો.આ બ્લડ હોસ્પિટલના ઇન હાઉસ અને વિવિધ કેમ્પ દ્વારા એકત્રિત કરાયો હતો.
હોસ્પિટલમાં જ ચાલતા સેન્ટરમાંથી ૧૫૫ યુનિટ અને જુદા જુદા ૩ કેમ્પમાંથી ૩૫૫ બોટલ લોહી રક્તદાતાઓએ આપ્યું હોવાનું ટ્રાન્સફ્યુઝન મેડિસિનના આસિ.પ્રોફ. સુમનબેન ખોજાએ કહ્યું હતું. તેમના જણાવ્યા મુજબ ભેગુ થયેલું રક્ત ગાયનેક, થેલેસેમીયા, ઇમરજન્સી, સર્જરી જેવા સંવેદનશીલ વિભાગ માટે જીવનદાન સમાન પુરવાર થયું હતું.
વીતેલા માસમાં ૩ કેમ્પના થયેલા આયોજનમાં કેરા ખાતે મહેશ્વરી સમાજ દ્વારા ૭૬ યુનિટ, રોટરી ક્લબ ભુજ મારફતે ૨૪૯ યુનિટ અને રવાપર મુસ્લિમ ગ્રુપે ૬૩ યુનિટ બ્લડ આપી રક્તદાન મહાદાનના પુણ્ય કાર્યમાં સહભાગી થયા હોવાનું બ્લડ બેન્કના કાઉન્સેલર દર્શન રાવલે જણાવ્યું હતું.






Leave a comment