બિહાર બાદ હવે પશ્ચિમ બંગાળમાં થશે વોટર વેરિફિકેશન

ચૂંટણી પંચે બિહાર બાદ હવે બંગાળમાં પણ મતદારોની યાદીમાં SIR(સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન)ની પ્રક્રિયા શરુ કરી છે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવને પત્ર લખી આ અંગે માહિતી આપી હતી. રાજ્યના ચૂંટણી પંચના અધિકારીઓને મતદારોની યાદી પર SIRની પ્રક્રિયા શરુ કરવા આદેશ અપાયો છે. બિહારમાં મતદારોની યાદીનું પુનઃનિરીક્ષણનું કામ અંતિમ તબક્કામાં છે. SIR પ્રક્રિયા હેઠળ રાજ્યમાં 1 ઑગસ્ટના રોજ ડ્રાફ્ટ વોટર લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

આ પ્રક્રિયા બાદ બિહારમાં આશરે 65 લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરાશે. જેમાં મોટાભાગના મતદારો મૃત્યુ પામ્યા છે. બાકીના એવા મતદારો સામેલ છે, જે અન્ય રાજ્ય કે વિદેશમાં સ્થાયી થયા હોય. અમુક એવા મતદારો પણ સામેલ છે, જેમના નામ એક કરતાં વધુ મત વિસ્તારોમાં નોંધાયેલા હતા. 

બિહારમાં ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલી વોટર્સ SIR પ્રક્રિયાનો કોંગ્રેસ સહિત વિપક્ષ સતત વિરોધ કરી રહ્યો છે. વિપક્ષ ચૂંટણી પંચની આ કામગીરીને ભાજપ સાથે મીલિભગત ગણાવી રહ્યું છે. મતોની ચોરીનો પણ આરોપ મૂકાઈ રહ્યો છે. વિપક્ષનું કહેવું છે કે, ચૂંટણી પંચ ભાજપના ઇશારા પર મતોની ચોરીમાં ભાગીદારી આપી રહ્યું છે. 

બિહારમાં SIRનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ચૂક્યો છે. ચૂંટણી પંચની આ કામગીરીમાં મતદારોએ સક્રિયપણે રૂચિ દર્શાવી હતી. બીજી બાજુ અન્ય રાજકીય પક્ષો દ્વારા આ કામગીરી વિરુદ્ધ ફરિયાદો થઈ રહી છે. યોગ્ય મતદારોને યાદીમાં સામેલ કરવા તેમજ અયોગ્ય મતદારોને દૂર કરવા સંબંધિત 1927 કેસ નોંધાયા છે. જ્યારે ફોર્મ-6 હેઠળ નવા મતદારોની નોંધણી, નામ કમી તેમજ અન્ય ઘોષણા પત્ર સંબંધિત 10977 અરજી થઈ હતી.

બિહારમાં રાજકીય પક્ષોની નિષ્ક્રિયતા વચ્ચે સામાન્ય મતદારોએ SIR પ્રક્રિયામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પંચને મળેલી કુલ 1927 ફરિયાદો અને 10977 અરજી આ વાતનું પ્રમાણ છે કે, લોકો પોતાના મતાધિકાર માટે સજાગ છે. અરજીમાં મુખ્યત્વે નવા મતદારોનો ઉમેરો, ખોટું નામ દૂર કરવું તેમજ મતદાર યાદીમાં સુધારા સંબંધિત પ્રશ્નો સમાવિષ્ટ છે. વિપક્ષ પણ આ પ્રતિસાદ પર મૌન છે. નિષ્ણાતોનું માનવું છે કે, વિપક્ષના આશરે 60,000 બૂથ લેવલ એજન્ટ્સને અત્યારસુધી મતદાર યાદીમાં કોઈ વાંધાજનક નામ મળ્યું નથી. ચૂંટણી પંચે તમામ પક્ષો અને નાગરિકોને અપીલ કરી છે કે, તે મતદારોની યાદીને વધુ સચોટ બનાવવા સહયોગ આપે.

Leave a comment

Trending