કચ્છ જિલ્લામાં આજે સવારે 7.20 વાગ્યે ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. વિશ્વ ધરોહર ધોળાવીરાથી 27 કિલોમીટર દૂર ઉત્તર પશ્ચિમ દિશામાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ કચેરીએ આ આંચકાની નોંધ લીધી હતી.
સ્થાનિક લોકોને આ આંચકાની કોઈ અસર જણાઈ નથી. પરંતુ ચિંતાની વાત એ છે કે છેલ્લા એક મહિનામાં આ 9મો આંચકો નોંધાયો છે. મે અને જૂન મહિના દરમિયાન કચ્છની ધરતી શાંત રહી હતી. પરંતુ 8 જુલાઈથી ફરી ભૂકંપના આંચકા અનુભવાવા લાગ્યા છે.
ભૂકંપ ઝોનના અતિ સંવેદનશીલ વિસ્તારમાં આવેલા કચ્છ જિલ્લાના ભૂગર્ભમાં છેલ્લા એક મહિનાથી સળવળાટની ગતિવિધિ તેજ બની છે. ભૂસ્તરશાસ્ત્રીઓના મતે, સામાન્યથી મધ્યમ કક્ષાના આંચકાઓથી ભૂગર્ભમાં રહેલી ઊર્જા બહાર નીકળી જાય છે. આથી મોટા ભૂકંપની શક્યતા ઓછી થઈ જાય છે.
આજના આંચકા પહેલાં 31 જુલાઈએ બેલા નજીક 3.3ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. 29 જુલાઈએ ખાવડા વિસ્તારમાં 3.7, 27 જુલાઈએ ધોળાવીરા પાસે 3, 20 જુલાઈએ ગોરા ડુંગર નજીક 4 અને ભચાઉ પાસે 3.1, 17 જુલાઈએ ભચાઉ પાસે 3.2 અને 8 જુલાઈએ ખાવડા વિસ્તારમાં 2.7ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. આ પહેલાં છેક 22 એપ્રિલે કચ્છમાં આંચકો અનુભવાયો હતો.






Leave a comment