– લાખે એક મહિલામાં દેખાતા અસલી ઉપરાંત બીજા અલ્પવિકસિત ગર્ભાશયમાં ભ્રૂણ રહી ગયા પછી તે ફાટી જતાં સફળ ઓપરેશન
અદાણી સંચાલિત GAIMS જી.કે. જનરલ હોસ્પિટલના સ્ત્રીરોગ ચિકિત્સા વિભાગમાં મહિલામાં દુર્લભ કહી શકાય એવો કેસ જોવા મળ્યો,જે લાખ દોઢ લાખે એકમાં દેખાય છે.જેમાં, મહિલાના મૂળ વિકસિત ગર્ભાશયની બાજુમાં જન્મથી જ બનેલા અલ્પવિકસિત એવા બીજા ગર્ભાશયમાં(રુડીમેન્ટ્રી હોર્ન પ્રેગનન્સી) ભ્રૂણ રહી જતા સર્જાયેલી જીવલેણ સ્થિતિમાંથી સ્ત્રીરોગ તબીબોએ ઓપરેશન કરી મહિલાને બચાવી લીધી.
હોસ્પિટલના ગાયનેક વિભાગના ડો.ચાર્મીબેન પાવા ણી અને ડો. પ્રફુલ્લાબેન ભીંડેના માર્ગદર્શન તળે આ દુર્લભ કેસની શસ્ત્રક્રિયા સફળતા સાથે પાર કરનાર ડો.ખુશ્બુબેન પટવાએ જણાવ્યું કે, કંડેરાઇ ગામની ૨૪ વર્ષીય નયનાબેન, પેટમાં સખત દુઃખાવા સાથે હોસ્પિટલમાં આવ્યા ત્યારે પીડાનો ઇતિહાસ ચકાસી પરીક્ષણ કરાવતા હિમોગ્લોબીન માત્ર ૪.૯ જ હતું.આનુસંગિક વિસ્તૃત પરીક્ષણને અંતે ગર્ભાશયની એક અસાધારણ સ્થિતિ જોવા મળી.
સામાન્ય રીતે મહિલાને એક પૂર્ણવિકસિત ગર્ભાશય હોય છે,પરંતુ નયનાબેનના કેસમાં મુખ્ય ગર્ભાશયની બાજુમાં જ બીજું અલ્પવિકસિત અને ખોડવાળું ગર્ભાશય જન્મથી જ નિર્માણ પામ્યું હતું અને તેમાં ગર્ભ રહી ગયું અને છેવટે સાડા ત્રણ મહિનાને અંતે અલ્પવિકસિત ગર્ભાશય ફાટી જતાં પેટમાં લોહી ભરાઈ ગયું પરિણામે દુખાવો શરૂ થયો.તબીબોએ તાત્કાલિક ઓપરેશનનો નિર્ણય લઈ, એ અલ્પવિકસિત ગર્ભાશયની ઓવરી,ફેલોપિયન ટ્યુબ અને રુડીમેન્ટ્રી હોર્ન કાઢી મહિલાને જીવતદાન આપ્યું.
આ કેસમાં એનેસ્થેટિક ડો. ક્રિષ્નાબેન કારા અને ટીમે તેમજ બ્લડબેંક દ્વારા ૪ બોટલ લોહી અને ૪ પ્લાઝમા પૂરા પાડવામાં આવ્યા હતા.આ ઓપરેશનમાં સ્ત્રીરોગ ચિકિત્સક,ડો.મનમિત ઠુમર,ડો. જ્હાનવી પટેલ,ડો.નિયતિ માંકડિયા,ડો.મહિમા પટેલ જોડાયા હતા. ડો.મમતા ગનાસવા ઉપરાંત નર્સિંગ સ્ટાફનો સહયોગ મળ્યો હતો.






Leave a comment