એકસાથે 5 સિસ્ટમ સક્રિય, ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ, એટલે કે 21થી 27 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને પણ આગામી દિવસો માટે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અત્યારે કુલ 5 સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં આ વર્ષે સિઝનનો 71 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જળાશયોની વાત કરીએ તો રાજ્યના 206 જળાશયમાં 74.93% ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે. સવારના 6થી 12 વાગ્યા સુધીમાં રાજ્યના 90 તાલુકામાં દોઢ ઈંચથી લઈને 1 મિમી સુધીનો વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ મેઘરજમાં 1.14 ઈંચ, ખાનપુરમાં 1.02, કવાંટમાં 0.98 ઈંચ વરસાદ નોંધાયો છે, બાકીના તાલુકાઓમાં અડધાથી 1 મિમી સુધીનો વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગ દ્વારા આગામી 4 વાગ્યા સુધી માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં કચ્છમાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, ભાવનગર, બોટાદમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, બાકીના જિલ્લાઓમાં મધ્યમ વરસાદને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.

ગુજરાતના 252 તાલુકામાંથી 226 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 20 તાલુકામાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડ્યો, જેમાં 10 તાલુકા તો માત્ર સૌરાષ્ટ્રના છે. જૂનાગઢના મેંદરડામાં સૌથી વધુ 13.31 ઇંચ, કેશોદમાં 11.22 ઇંચ, વંથલી અને પોરબંદર તાલુકામાં 10-10 ઇંચ વરસાદ નોંધાયો છે.

ગુજરાતના 12 તાલુકામાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જેમાં 20 તાલુકામાં પાંચ ઇંચથી વધુ, 36 તાલુકામાં ચાર ઇંચથી વધુ, 48 તાલુકામાં ત્રણ ઇંચથી વધુ, 67 તાલુકામાં બે ઇંચથી વધુ, 99 તાલુકામાં એક ઇંચથી વધુ નોંધાયો છે.

Leave a comment

Trending