જી.કે.જન. હોસ્પિ.ની ચક્ષુબેંક થકી બાળકની જિંદગીમાં ઉજાસ આવ્યો

દોઢ વર્ષ પહેલા ૫મું ભણતા રોશને આંખની રોશની ગુમાવી પણ નેત્રદાનના પ્રતાપે કિશોરની દુનિયા ફરી રંગબેરંગી બની

ચક્ષુદાન મહદાનની ઉદાત ભાવના કેળવવા હોસ્પિ. ના ચક્ષુ નિષ્ણાતોનો અનુરોધ

ભુજ ખાતે આજથી દોઢ વર્ષ પહેલા ધોરણ પાંચમાં ભણતો દસ વર્ષનો રોશન (નામ બદલ્યું છે )  પોતાની સાઇકલથી શાળા છૂટ્યા બાદ ઘરે જવા નીકળ્યો, જેવો તે પોતાના ઘર તરફની ગલીમાં વળ્યો કે માર્ગમાં ગાય આવી ગઈ અને રોશન સાયકલ સમેત ભોંય ભેગો પટકાયો. કમનસીબે ગાયનું શિંગણું તેની એક નાજુક આંખની આસપાસ ગંભીર રીતે વાગ્યું.તુરંત જ તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો, પરંતુ ઘાવ એટલો ઊંડો અને ગંભીર હતો કે રોશને દૃષ્ટિ ગુમાવી દીધી.

આ ઓચિંતી આવી પડેલી આપત્તિથી માતા પિતા આવાચક થઈ ગયા.પુત્રએ કાયમી ધોરણે એક આંખની  રોશની ગુમાવી દીધી તેને લઇ માતા પિતાએ  કલ્પાંત કરી મુક્યો અને ભગવાનની અજીજી કરી કે “હે ભગવાન મારા રોશનને ફરી રોશની આપી દ્યો”

‘ભગવાનને ઘરે દેર છે, પણ અંધેર નથી’ એ ન્યાયે બરાબર દોઢે વર્ષે રોશનની માતાને ફોન આવે છે.”એક સજ્જને નિધનપૂર્વે આંખનું દાન કર્યું છે, પુત્રને લઈને આવી જાવ “બસ, એક માતાને બીજું વિશેષ શું જોઈએ? પરિજનો હોસ્પિટલ પહોંચ્યા જ્યાં આંખ વિભાગના તબીબોએ રોશનને નવી ચક્ષુ બેસાડી.એ સાથેજ રોશનની દુનિયા પૂનઃ સંપૂર્ણ રંગબેરંગી થઈ ગઈ.આ સમગ્ર ઘટમાળ અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલની છે.

        હોસ્પિટલની આંખ વિભાગના હેડ ડૉ.કવિતાબેન શાહે દેશમાં ૨૫મી ઓગસ્ટ થી ૮મી સપ્ટે. સુધી ઉજવાતા રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાળિયા નિમિતે કહ્યું કે,અત્રે જી.કે.માં કચ્છની એક માત્ર આંખ બેંક છે.છેલ્લા ૫ વર્ષમાં ૧૧૯ દાનવીરોએ આંખનું દાન કર્યું છે અને ૮૨ જેટલા ચક્ષુ વિહિનના  જીવનમાંથી એ દાનના ભાગ રૂપે જ અંધકાર દૂર થયો છે.હોસ્પિટલ દ્વારા પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ ચક્ષુદાન માટે જાગૃતિના કાર્યક્રમો યોજાશે.એમ ડો. કવિતાબેને કહ્યું હતું.

        આંખના તબીબો દ્વારા આ ઉપરાંત હોસ્પિટલના તમામ વિભાગોમાં જઈ લોકોને નેત્રદાનની જરૂરિયાત તેમજ કેમ, ક્યારે, કેવીરીતે નેત્રદાન કરવું અને ચક્ષુ કેવીરીતે લેવામાં આવે છે તે સમજાવાશે.સાથે સાથે પોસ્ટર દ્વારા પણ સંદેશો પાઠવવામાં આવશે.હોસ્પિટલના આ માનવતાવાદી કાર્યમાં અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી, લાયન્સ ક્લબ ઓફ ભુજ, કે. કે. પટેલ હોસ્પિટલ, રોટરી ક્લબ અંજાર, ગાંધીધામ તથા અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓએ આ મહાન કાર્યમાં સહભાગી બની અમૂલ્ય ફાળો રહ્યો છે. 

        નેત્રદાન માટે અત્રેની ચક્ષુબેંકનો નંબર ૯૭૨૬૪ ૩૦૭૮૩ છે. તબીબોએ જિલ્લાના  જે પરિવારોએ પોતાના સ્વજનના મૃત્યુ પછી આંખના દાન માટે પહેલ કરી છે તેમનો આભાર માનતા ઉમેર્યું કે કચ્છની તમામ દાનવીર જનતાને આ યજ્ઞમાં જોડાવા માટે પહેલ કરવા  અનુરોધ કર્યો છે કે જેથી  આબાલવૃદ્ધ સૌની દુનિયા રોશન બને.

Leave a comment

Trending