રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી હવામાન વિભાગની આગાહી મુજબ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 64 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેના કારણે જળસ્તર ઊંચા આવ્યા છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
છોટાઉદેપુરના ક્વાંટ અને દાહોદના દેવગઢબારિયામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. જ્યાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત, છોટાઉદેપુર અને મોરવાહડકમાં પણ 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો, જેના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
અમરેલી જિલ્લાના ખાંભા-ગીર વિસ્તારમાં બપોર પછી અચાનક આકાશમાં મેઘ ગર્જના સાથે ધોધમાર વરસાદ શરુ થયો. આ વરસાદે ત્રાકુડા, ડેડાણ, માલકનેશ, નીગાળા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોને ભીંજવી દીધા. ડેડાણ ગામની બજારમાં તો વરસાદી પાણી નદીના પ્રવાહ સમાન વહેતું થયું હતું.
થોડા દિવસોના વરાપ બાદ આવેલા આ વરસાદથી સ્થાનિક ખેડૂતોમાં વિશેષ ખુશીનો માહોલ છે. વરસાદે પાક અને પશુધન માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જી છે, જેથી ખેતીને લાભ થશે અને પાણીનો સંગ્રહ પણ થશે એવી ખેડૂતોમાં આશા છે. આકસ્મિક પણ ભારે વરસાદે લોકજીવનમાં થોડી અસુવિધા ઊભી કરી હતી, પરંતુ ખેતી માટે આ વરસાદ સંજીવની સમાન સાબિત થશે એવી સામાન્ય અપેક્ષા છે.


દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનો દોર યથાવત્ રહ્યો છે. તાપી જિલ્લાના વ્યારામાં સવારથી પડી રહેલા સતત વરસાદને પગલે કેટલાંક વિસ્તારમાં પાણી ભરાયા હતા. વ્યારાની શબરીધામ શાળાના કમ્પાઉન્ડમાં પણ પાણી ભરાયા હોવાના અહેવાલ છે. આ તરફ, અરવલ્લીના મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને શામળાજીમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી.
છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદના કારણે જિલ્લા સેવાસદનના રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે લોકોને અવર-જવરમાં મુશ્કેલી પડી હતી.
સતત વરસી રહેલા સાર્વત્રિક વરસાદથી રાજ્યના અનેક જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઈ છે. ઉત્તરથી દક્ષિણ સુધીના ડેમ છલોછલ ભરાઈ ગયા છે, જે આગામી સમય માટે પીવાના પાણી અને સિંચાઈ માટે રાહતરૂપ સાબિત થશે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના વધુ છે.






Leave a comment