અનિરૂદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી રાહત ન મળતા હવે તેમનો જેલવાસ નિશ્ચિત છે. હાઇકોર્ટના 18 સપ્ટેમ્બર પહેલા સરેન્ડર કરવાના ચુકાદાને ગ્રાહ્ય રાખી સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવા આદેશ કર્યો છે. જેમાં સરેન્ડર કર્યા પછી સજા માફી અંગે નિર્ણય કરવામાં આવશે એટલે હાલના તબક્કે જેલમાં એક વખત હાજર થવું ફરજિયાત બન્યું છે. માટે હવે આગામી નજીકના દિવસોમાં અનિરુદ્ધસિંહ જાડેજા સરેન્ડર કરી ફરી વખત જૂનાગઢ જેલમાં હાજર થશે અને હાજર થયા પછી આગળ સજા માફી અંગે નિર્ણય થઇ શકશે. ઉલ્લેખનીય છે કે અનિરુદ્ધસિંહ જાડેજા સરેન્ડર કરશે ત્યારબાદ ગોંડલ તાલુકા પોલીસ દ્વારા અમિત ખુંટ આત્મહત્યા કેસમાં ધરપકડ કરવામાં આવી શકે છે કારણ કે આગોતરા અરજી કોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે.
અનિરુદ્ધસિંહ જાડેજાએ ગત 29 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં સ્પે. લીવ પિટિશન (ક્રિમિનલ) રજૂ કરી હતી, જે બીજા દિવસે એટલે કે 30 ઓગસ્ટે દાખલ થઈ હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જની બેચ સમક્ષ આ લીવ પિટિશનની સુનાવણી થઈ હતી.
ગોંડલમાં 15 ઓગસ્ટ 1988ના દિવસે સ્વતંત્રતા પર્વની ઉજવણી દરમિયાન ધ્વજવંદનના કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ લાખાભાઇ સોરઠિયાની ગોળી મારી હત્યા કરવાના ગુનામાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ પછી તેમને વર્ષ 2018માં સજામાફી મળતાં જેલમાંથી મુક્ત થયા હતા, જોકે આ સજામાફી રદ કરવા પૂર્વ ધારાસભ્યના પૌત્રએ કરેલી અરજી અંગે ગત સપ્તાહ દરમિયાન ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગેરકાયદે ઠરાવી એક મહિનામાં સરેન્ડર થવા હુકમ કર્યો હતો, જે હુકમ સામે અનિરુદ્ધસિંહ જાડેજાએ સુપ્રીમ કોર્ટમાં લીવ પિટિશન દાખલ કરી હતી.
રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યાકેસમાં ચાર અઠવાડિયાંમાં હાજર થવા હાઈકોર્ટે હુકમ કર્યો છે. પોપટ સોરઠિયા હત્યાકેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદમાંથી મુક્તિ આપવાના જેલ અધીક્ષક ટી.એસ. બિસ્તના હુકમને ફગાવી દેવામાં આવ્યો છે અને અનિરુદ્ધસિંહને સરેન્ડર કરવા આદેશ કરાયો છે. આ ઉપરાંત દરરોજ હાજરી પુરાવવાનો અને પાસપોર્ટ જમા કરાવવાનો પણ આદેશ કરાયો છે. અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહ જાડેજાને હાલ પોલીસ અમિત ખૂંટ આત્મહત્યાકેસમાં પણ શોધી રહી છે.
અમિત ખૂંટ આત્મહત્યાકેસમાં પણ ગોંડલ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાની 19 ઓગસ્ટે આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે. આ પહેલાં કોર્ટે તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી પણ ફગાવી હતી. ગોંડલ તાલુકા પોલીસે અનિરુદ્ધસિંહ વિરુદ્ધ અમિત ખૂંટને આપઘાત માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધ્યો છે. પોલીસની ચાર્જશીટમાં અનિરુદ્ધસિંહને ફરાર બતાવવામાં આવ્યા છે. આમ, અનિરુદ્ધસિંહને બીજીવાર જેલમાં જવાની સ્થિતિ ઊભી થઈ છે.
1988ના પોપટ લાખા સોરઠિયા હત્યાકેસમાં ગોંડલ સેશન્સ કોર્ટે 1994માં અનિરુદ્ધસિંહને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યો હતો. ત્યાર બાદ સરકારે TADA એક્ટ હેઠળ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી. સુપ્રીમ કોર્ટે 10 જુલાઈ 1997ના રોજ અનિરુદ્ધસિંહને આજીવન કેદની સજા ફટકારી હતી, જોકે ત્યાર બાદ 3 વર્ષે પોલીસ તેને પકડી શકી એટલે કે 2000માં જેલમાં મોકલી દીધો. અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્રએ 29 જાન્યુઆરી 2018ના રોજ તત્કાલીન જેલ આઈજી ટી.એસ બિષ્ટને પત્ર લખીને માફી પર મુક્ત કરવાની વિનંતી કરી હતી. આ પત્રને ધ્યાનમાં લઈને તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. એ સમયે અનિરુદ્ધસિંહ જાડેજાએ 18 વર્ષની સજા ભોગવી હતી. આમ, અનિરુદ્ધસિંહ જાડેજાને વર્ષ 2018માં સજામાફી આપીને મુક્ત કરવામાં આવ્યો હતો. અનિરુદ્ધસિંહ જાડેજાની આ સજામાફીને રદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં મૃતક ધારાસભ્યના પૌત્ર હરેશ સોરઠિયાએ અરજી કરી હતી.
ગોંડલની સંગ્રામ સિંહજી હાઇસ્કૂલમાં 15 ઓગસ્ટ 1988ના દિવસે ધ્વજવંદન કાર્યક્રમમાં તત્કાલીન ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાને અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 15 ઓગસ્ટ 1988ના રોજ સ્વતંત્રતા પર્વની ઉજવણી દરમિયાન ધ્વજવંદન કાર્યક્રમમાં કોંગ્રેસના તત્કાલીન ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની ગોળી મારીને જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ટાડા એક્ટ હેઠળ આજીવન કેદની સજા પામેલા રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને વર્ષ 2018માં સજામાફી આપીને મુક્ત કરવામાં આવ્યા હતા. અનિરુદ્ધસિંહ જાડેજાની આ સજા માફીને રદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં મૃતક ધારાસભ્યના પૌત્ર હરેશ સોરઠિયાએ અરજી કરી હતી.






Leave a comment