અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની કીરથાર ગિરિમાળાઓના પશ્ચિમના ઢાળે ગઇકાલે રાત્રે આશરે પોણા બાર (૧૧.૪૭) વાગે ૬.૩ની તીવ્રતાનો ધરતીકંપ થતાં ૮૦૦થી વધુના મોત થયા હતા જ્યારે ૧૩૦૦ થી વધુને ઇજાઓ થઇ હતી, તેમ પ્રાથમિક અંદાજો જણાવે છે.
આ ધરતીકંપને પરિણામે ગામોના ગામો ધરાશાયી થયા હતા. પાકા મકાનો પણ ધ્વસ્ત થયા હતા. આ ધરતીકંપની જાણ થતા રાહત ટુકડીઓ ધસી ગઈ હતી. પરંતુ ધરતીકંપ પછી પણ ચાલુ રહેલા આફટર શોક્સને લીધે તેમનું કાર્ય પણ મુશ્કેલ બન્યું હતું.
આ ધરતીકંપની તીવ્રતા અત્યંત તો ન હતી પરંતુ તે ધરતીની સપાટીથી માત્ર ૮ કિ.મી. જેટલેથી નીચેથી શરૂ થયો હોવાથી તેણે કરેલી નુકસાની ઘણી જ વધુ હતી.
આ ધરતીકંપ પછી પોતાનો આક્રોશ ઠાલવતા અફઘાન વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, આટલી બધી તબાહી થઈ હોવા છતાં હજી સુધી કોઈ વિદેશી સહાય આવી નથી.
અફઘાનિસ્તાનનાં આંતરિક બાબતોનાં મંત્રાલયના પ્રવકતા અબ્દુલ માતીન કાનીએ કહ્યું હતું કે, કુન્નાર પ્રાંતમાં ત્રણ ગામો તો તદ્દન ધરાશયી થઈ ગયા છે. કેટલાએ પાકા મકાનો પણ ધ્વસ્ત થયા છે.
યુ.એસ.જીયોલોજિકલ સર્વે જણાવે છે કે જે વિસ્તારમાં ભૂકંપ થયો હતો તે સમગ્ર વિસ્તારની વસ્તી આશરે ૨૭૧૦૦૦ હશે. આ ભૂકંપ પછી રાહત કાર્ય તો હાથ ધરાયું જ છે અને કાબુલ, કુન્નાર તથા નંનગર હારમાંથી તબીબી ટુકડીઓ પણ રવાના કરાઈ છે. આ ધરતીકંપ પાકિસ્તાનના ખૈબર-પખ્તુનવા પ્રાંત અને અફઘાનિસ્તાન વચ્ચેની કિરથાર ગિરિમાળાઓમાં થયો હતો.
અફઘાન વિદેશ મંત્રાલયે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ચારે તરફ તે વિસ્તારમાં તબાહી ફેલાઈ ગઈ હોવા છતાં જરા પણ સહાય વિદેશોમાંથી હજી સુધી તો આવી નથી.
ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં વારંવાર ધરતીકંપો થાય છે. ગત વર્ષે ફેબુ્રઆરી મહિનામાં થયેલા ધરતીકંપને લીધે ૧૦૦૦ થી વધુનાં મોત થયા હતા. તે ભૂકંપ માત્ર ૪.૩ અંકનો જ હતો. પરંતુ મકાનો માત્ર કાદવ અને પથ્થરથી જ બનાવ્યા હોવાથી આટલી બધી જાન હાની થઈ હતી. તે પૂર્વે ઓકટોબર ૨૦૨૩માં થયેલા ધરતીકંપમાં ૪૦૦૦ થી વધુનાં મોત થયા હતા.






Leave a comment