એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટે મુસાફરોનું વધાર્યું ટેન્શન

દિલ્હીથી ઈન્દોર જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ આઈએક્સ-1028માં આજે (5 સપ્ટેમ્બર) ટેક્નિકલ ખામી સર્જાતા ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. ફ્લાઈટમાં 161 મુસાફરો સવાર હતા અને પાયલટ દ્વારા ઈમરજન્સી કોલ ‘પાન-પાન’ જાહેર કરાયો હતો. જોકે પાયલટની સમજદારી અને સમયસર લેવાયેલા નિર્ણયથી વિમાન ઈન્દોરના દેવી અહિલ્યાબાઈ હોલકર એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું છે. જેનાથી મોટી દુર્ઘટના ટળી છે અને મુસાફરોનો જીવ બચી ગયો છે.

ફ્લાઈટ દિલ્હીથી ટેકઓફ કર્યા બાદ પાયલટને વિમાનના એન્જિનમાં ઓઈલ ફિલ્ટર સંબંધિત ટેકનિકલ ખામીની હોવાની શંકા ગઈ હતી. ત્યારબાદ પાયલટે તરત જ એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને ‘પાન-પાન’ કોલ દ્વારા જાણ કરી હતી. ‘પાન-પાન’ એ એક એવો ઈમરજન્સી કોડ છે જે જીવલેણ ન હોય, પરંતુ તાત્કાલિક ધ્યાન અને પ્રાથમિકતાવાળા લેન્ડિંગની જરૂરિયાત દર્શાવે છે. આ કોલ મળ્યા બાદ તરત જ એરપોર્ટ પર સુરક્ષા અને બચાવ દળોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા.

ઈન્દોર એરપોર્ટના ડિરેક્ટર વિપિનકાંત સેઠના જણાવ્યા અનુસાર, ફ્લાઈટનો નિર્ધારિત લેન્ડિંગ સમય સવારે 9.35 વાગ્યાનો હતો, પરંતુ ટેકનિકલ ખામીને કારણે તે સવારે 9.55 વાગ્યે સુરક્ષિત રીતે લેન્ડ થઈ હતી. ફક્ત 20 મિનિટના વિલંબ બાદ તમામ 161 મુસાફરો સુરક્ષિત રીતે ફ્લાઈટમાંથી બહાર નીકળી શક્યા હતા. 

‘પાન-પાન’ કૉલ એ ફ્લાઈટના પાયલટ દ્વારા ઉપયોગમાં લેવાતો એક રેડિયો કોલ છે. આ કૉલનો અર્થ એ થાય છે કે, વિમાનમાં કોઈ તાત્કાલિક સમસ્યા ઊભી થઈ છે, પરંતુ તે જીવલેણ નથી અને તાત્કાલિક ખતરામાં નથી. આ કોલનો હેતુ મદ માટે ATC અને અન્ય વિમાનોને જાણ કરવાનો છે, પરંતુ પરિસ્થિતિ હજુ પણ નિયંત્રણમાં છે.

‘પાન-પાન’ કોલનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે વિમાનમાં કોઈ સમસ્યા હોય, પરંતુ તાત્કાલિક કોઈ મોટો ખતરો ન હોય. ઉદાહરણ તરીકે, એન્જિનમાં નાની ખામી, કોઈ મુસાફરની તબિયત બગડવી અથવા પાઈલટને દિશામાં સમસ્યા થવી. જ્યારે ‘મે-ડે’ કોલ કોલનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે વિમાન તાત્કાલિક અને ગંભીર ખતરામાં હોય અને જીવલેણ પરિસ્થિતિ ઊભી થઈ હોય. ઉદાહરણ તરીકે, એન્જિન ફેલ થવું, આગ લાગવી, અથવા વિમાનનું નિયંત્રણ ગુમાવી દેવું.

Leave a comment

Trending