ભારત અને ઇઝરાયલે સોમવારે એક દ્વિપક્ષીય રોકાણ સંધિ પર હસ્તાક્ષર કર્યા છે. જેમાં ભારત અને ઇઝરાયલ વચ્ચે રોકાણને પ્રોત્સાહન મળશે. નાણા મંત્રાલયે સોમવારે પોતાના X એકાઉન્ટ પરથી પોસ્ટ કરી હતી કે, ભારત અને ઇઝરાયલ સરકારે આજે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય રોકાણ સંધિ (BIT) પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર પર નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને ઇઝરાયલના નાણા મંત્રી બેજેલેલ સ્મોટ્રિચે હસ્તાક્ષર કર્યા હતા. ઇઝરાયલના નાણા મંત્રી સ્મોટ્રિચ 8થી 10 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસના ભારત પ્રવાસ પર છે.
બેજેલેલ સ્મોટ્રિચ ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલ તથા આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ સાથે મુલાકાત કરશે. તેમના ભારત પ્રવાસનો ઉદ્દેશ દ્વિપક્ષીય બેઠકોના માધ્યમથી ભારત સાથે ઇઝરાયલના આર્થિક અને નાણાકીય સંબંધોને વધુ મજબૂત બનાવશે. બંને દેશ દ્વિપક્ષીય રોકાણ સંધિ (BIT) અને મુક્ત વેપાર કરાર (FTA) સહિત અમુક મહત્ત્વના કરાર કરવા તૈયાર છે. જેનાથી બંને દેશોના રોકાણકારોને સુરક્ષાની ગેરેંટી મળશે. ઇઝરાયલના નાણા મંત્રી પોતાની ભારત મુલાકાત દરમિયાન મુંબઈ અને ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીની મુલાકાત લેશે.
ઇઝરાયલે વર્ષ 2000થી માંડી અત્યારસુધી 15થી વધુ દેશો સાથે દ્વિપક્ષીય વેપાર સંધિ કરી છે. જેમાં યુએઈ, જાપાન, ફિલિપિન્સ, થાઇલૅન્ડ, દક્ષિણ આફ્રિકા સામેલ છે. ભારત અને ઇઝરાયલ વ્યૂહાત્મક પાર્ટનર છે. બંને દેશો દર વર્ષે આશરે 4 અબજ ડૉલરનો દ્વિપક્ષીય વેપાર કરે છે. 2000-2025 દરમિયાન ભારતે ઇઝરાયલમાં કુલ 44.3 કરોડ ડૉલરનું રોકાણ કર્યું છે. જ્યારે ભારતના એફડીઆઇમાં ઇઝરાયલનું યોગદાન 33.42 કરોડ ડૉલર રહ્યું હતું.






Leave a comment