– જીવન પ્રત્યે નિરાશ બનેલી વ્યક્તિ સાથે નિખાલસ વાતચીત આત્મહત્યા અટકાવનું પ્રથમ પગથિયું
વિશ્વમાં દર વર્ષે ૧૦મી સપ્ટેમ્બરના દિવસે આંતરાષ્ટ્રીય આત્મહત્યા અટકાવ સંઘ દ્વારા આત્મહત્યા અટકાવ દિન મનાવવામાં આવે છે. આત્મહત્યા કરવા પાછળ મુખ્યત્વે તણાવ,એકલાપણું,સામાજિક અને આર્થિક દબાણ,પારિવારિક ઝઘડા,ઘરેલું હિંસા,શૈક્ષણિક અસફળતા,વ્યસન અને લાંબી શારીરિક અને માનસિક બીમારીઓ જવાબદાર હોય છે.
અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના મનોચિકિત્સક વિભાગના તબીબોના જણાવ્યા મુજબ,વ્યક્તિ ત્યારે જ અંતિમ પગલું ભરે છે જ્યારે આશાનું કોઈ જ કિરણ દેખાતું ન હોય. માટે ઉપરોક્ત કારણો ઓળખી નિખાલસતાથી વાત કરાય અને “હું તારી સાથે છું”, જેવો સધિયારો સગાઓ, મિત્રો કે સામાજિક કાર્યકરો દ્વારા પીડિત વ્યક્તિને મળે તો સ્થિતિ બદલી શકે. વ્યક્તિની સમસ્યા અંગે ખુલ્લા દિલે વાત કરવી એ સમસ્યાની દિશામાં પ્રથમ પગલું છે,એમ મનોચિકિત્સક ડો.રિદ્ધિબેન ઠક્કરે કહ્યું હતું.
સૌથી મહત્વની ભૂમિકા સકારાત્મક સામાજિક સમર્થનની છે. આત્મહત્યાનો વિચાર જ દર્શાવે છે કે નિરાશ વ્યક્તિની પરિસ્થિતિ કેટલી ગંભીર છે. નિરાશ વ્યક્તિ જો ગુમસુમ રહેતી હોય ઊંઘ ન આવે,ખાવા પીવાનું છોડી દે અથવા આડકતરી રીતે નિર્દેશ કરે કે જીવનમાં રસ નથી. તો સગા સંબંધીઓએ તેને ક્યારેય એકલો મૂકવો નહીં . કારણકે નિરાશાભરી મનોદશા કોઈપણ પગલું ભરી શકે છે,એમ ડો.નીરવ ચાંપાએ જણાવ્યું હતું.
તમામ પ્રકારની સાવચેતી સાથે શારીરિક રીતે પ્રવૃત્તિશીલ રહેવું એ એટલુંજ આવશ્યક છે.જો નિયમિત રીતે શરીરને અનુકૂળ પ્રવૃતિ અને કસરત કરાય તો શરીર અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે.ઉપરાંત સ્વસ્થ ખોરાક પણ આ ક્ષેત્રે મહત્વનો ભાગ ભજવે છે.રાત્રે જરૂરી ૭ થી ૮ કલાકની ઊંઘ પણ લેવી જોઈએ.
મદદ માટે તબીબોએ કહ્યું કે,નિરાશ અને સંકટમાં હોય એવી વ્યક્તિને માનસિક સ્વાસ્થ્ય જેવી મદદની જરૂર હોય છે માટે તેને મનોવૈજ્ઞાનિક અને મનોચિકિત્સકની સેવા સુધી પહોંચે તેવું વાતાવરણ ઊભું કરવું જોઈએ,આત્મહત્યા સામે જાગૃતિ વધારવી જેથી લોકો આગળ આવે અને સહજતા અનુભવે,મદદ માંગવા આગળ આવે. સમાજનો ટેકો,પરિવાર, દોસ્તો પણ હૂંફ આપી અનેક રીતે મદદ કરી શકે.ખાસ કરીને શિક્ષણ અને પ્રશિક્ષણ આત્મહત્યા સામે જાગૃતિ લાવવાનું મોટું પરિબળ છે.
એક અભ્યાસ મુજબ વિશ્વમાં દર સેકન્ડે ૪૦ અને દર વર્ષે ૭ લાખ લોકો આત્મહત્યા કરે છે. માટે જ વાતચિત દ્વારા જ વાત બદલોની થીમ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા આપવામાં આવી છે.






Leave a comment