– 20 હજારથી વધુ વાહનોનું સંચાલન, 50થી વધુ ફસાયેલા વાહનોને બહાર કાઢ્યાં, 45 એમ્બ્યુલન્સને રસ્તો કરાવ્યો
કચ્છ જિલ્લામાં બે દિવસ પહેલા પડેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. આ પરિસ્થિતિમાં વહીવટી તંત્ર સાથે પોલીસ વિભાગે સક્રિય કામગીરી કરી હતી.
વરસાદ વચ્ચે પોલીસ જવાનો અને અધિકારીઓએ જોખમી જળાશયો નજીક લોકોની સુરક્ષા માટે ફરજ બજાવી હતી. તેમણે ખાડાવાળા માર્ગો પર ભરાયેલા પાણીમાંથી વાહનોને સલામત રીતે પસાર કરાવ્યા હતા. ટ્રાફિક જામની સ્થિતિમાં પણ સરાહનીય કામગીરી કરી હતી.
સામખિયાળી ટોલગેટ પરથી રોજના 20થી 22 હજાર વાહનોનું સંચાલન પોલીસે સફળતાપૂર્વક કર્યું હતું. પોલીસના પ્રયાસોથી લગભગ 45 એમ્બ્યુલન્સને સમયસર રસ્તો મળ્યો હતો. 50થી વધુ નાના-મોટા વાહનો કાદવ અને પાણીમાં ફસાયા હતા. પીઆઇ વિકે ગઢવી સાથે પોલીસકર્મીઓએ જાતે ધક્કા મારીને આ વાહનોને બહાર કાઢ્યા હતા.
કચ્છના પશ્ચિમ વિભાગના પોલીસવડા વિકાસ સુંડા અને પૂર્વ વિભાગના પોલીસવડા સાગર બાગમારના નેતૃત્વમાં જાનમાલનું રક્ષણ કરવામાં આવ્યું હતું. ગૃહ મંત્રીએ પણ આ કામગીરીને બિરદાવી હતી.
સામખિયાળીથી સૂરજબારી બ્રિજ સુધીના રસ્તા પર ખાડા પડ્યા હતા. રોડ ધસી જવા છતાં પોલીસ સ્ટાફે વાહનોને સલામત રીતે પસાર કરાવ્યા હતા. જરૂર પડ્યે JCB મશીનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ કામગીરીથી વરસાદી આપત્તિ સમયે પોલીસ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. સામખિયાળી પોલીસ સ્ટાફે પ્રજાના મિત્ર બની દેવદૂત તરીકે લોકોના જીવ બચાવ્યા હતા. અંજારમાં પીઆઇ અજયસિંહ ગોહિલે પણ વરસતા વરસાદમાં વાહનોને ખાડાઓથી બચાવવા જહેમત ઉઠાવી હતી.






Leave a comment