ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 2018ના એક કેસમાં ધરપકડ વોરંટ ઈસ્યૂ કર્યું છે. 2018માં અમદાવાદના નિકોલ વિસ્તારમાં PAASના આંદોલન સમયે હાર્દિક પટેલ સહિતના પાસ આગેવાનો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જે કેસની કોર્ટ મુદતોમાં હાર્દિક પટેલ વારંવાર ગેરહાજર રહેતા કોર્ટે ધરપકડ વોરંટ ઈસ્યૂ કર્યું છે.
વર્ષ 2018માં પાટીદાર અનામત આંદોલન સમયે નિકોલ પોલીસ મથકે પાટીદાર નેતા અને વર્તમાન વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલ સહિતના આરોપીઓ સામે IPC ની કલમ 143, 147, 149, 353, 188, 186, 120, 294, 34 અને 506 મુજબ ગુનો નોંધાયો હતો. જે સંદર્ભનો કેસ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં દાખલ થયો હતો. જેમાં કેસ અત્યારે આરોપી ઉપર ચાર્જ ફ્રેમના સ્ટેજ ઉપર છે. પરંતુ આરોપી હાજર ન રહેતા વર્તમાન વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલ સામે કોર્ટે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે.
ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ સહિતના પાટીદાર નેતાઓ પાટીદારોને અનામત આપવાની માંગણી અને ખેડૂતોના દેવા માફીની માંગણી સાથે નિકોલમાં પ્રતિક ઉપવાસનું આયોજન કર્યું હતું. જેમાં ફરિયાદ મુજબ આરોપીઓએ વગર પરવાનગી, પूર્વ આયોજિત કાવતરું કરીને કરેલી કાઢીને નિકોલના મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ખાતે પ્રતીક ઉપવાસ કરવાનું નક્કી કર્યું હતું.
જેમાં રેલીને અટકાવવામાં આવતા તેઓ ઉશ્કેરાયા હતા. આરોપીઓએ પોલીસને અપશબ્દો કહીને ઝપાઝપી કરી હતી અને ધમકી આપી હતી. તેમજ શહેર પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ભંગ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે વર્તમાનમાં વિધાનસભા ચાલુ હોવાથી ધારાસભ્ય હાર્દિક પટેલ ત્યાં હાજર હશે. તેઓ તે કારણ કોર્ટ સમક્ષ આગળ ધરી શકે છે.






Leave a comment