જીકે જન. હોસ્પિ.ના સર્જરી વિભાગે હાયટસ હર્નીયાની સફળ સર્જરી કરતાં દર્દી ફરી પ્રકૃતિદત્ત જીવન જીવે છે

આધેડના પેટનો ઉપરનો ભાગ ૭ સે.મી.સુધી છાતીમાં ખસી જતા ફંડોપ્લિકેશન લેપ્રો. સર્જરી કરાઈ ને પેટ પૂર્વવત બનતા દર્દીની અનેક મુશ્કેલી દૂર

અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલમાં દર્દીના પેટ અને છાતીને જુદા પડતા ઉદરપટલ (ડાયાફ્રામ)માંથી થઈ પેટનો ઉપરનો હિસ્સો સાત સે.મી.સુધી છાતી તરફ ખસી જતા સર્જાયેલી હાયટસ હર્નીયાની જટિલ સ્થિતિનું સર્જરી વિભાગે સફળતાપૂર્વક લેપ્રોસ્કોપિક ઓપરેશન દ્વારા પેટનો ભાગ પૂર્વવત કરી પીડિતને અનેક શારીરિક વિટંબણામાંથી રાહત આપી હતી.  

હોસ્પિટલમાં તાજેતરમાં ગાંધીધામના ૫૯ વર્ષિય આધેડને લાંબા સમયથી પેટમાં એસિડિટીની જલન,ખોરાક પાછો ગળામાં આવવો, ગળામાં ઘૂંટન અને શ્વાસમાં તકલીફની ફરિયાદ સાથે હાસ્પિટલમાં આવતા તેની  રેડિયોલોજી ચિકિત્સા કરતા હાયટસ હર્નીયાની સ્થિતિ માલૂમ પડી હતી.સાથે સાથે આ પેટની સ્થિતિ ૭ સે.મી.સુધી છાતીમાં હોવાથી જટિલ જણાતાં ફંડોપ્લિકેશન લેપ્રોસ્કોપિક ઓપરેશન જરૂરી હતું.  

ફંડોપ્લિકેસન ઓપરેશનમાં દર્દીની અન્નનળીના નીચેના ભાગને જઠર દ્વારા ચારે તરફથી લપેટી દેવાય છે,જેથી એસિડ કે ખોરાક ઉપર ન જાય.

દર્દી ઓપરેશન માટે સંમત થતા ડો.હિરલ રાજદેવ,ડો.દર્શન લીંબાણી, ડો.નફીસા સુરતી ખતુન અને ડો.ચિરાગ દેવડાની ટીમે સફળતાપૂર્વક ઓપરેશન કર્યું હતું પરિણામે દર્દીને ટૂંક સમયમાં જ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. હવે તે હતું એવું જ પ્રકૃતિદત્ત  જીવન જીવે છે. તબીબોએ ઉમેર્યું કે,જી.કે.જનરલમાં આ અધ્યતન સર્જરી હોસ્પિટલના આધુનિક ઓપરેશન થિયેટરમાં ઉપલબ્ધ બનતા આવા જટિલ કેસના દર્દીને જિલ્લા બહાર ધક્કા ખાવાથી રાહત મળી છે.વળી લેપ્રોસ્કોપિકમાં નાનો કાપો,લોહીનો ઓછો વ્યય અને દર્દીને જલ્દી રજા મળે છે. 

Leave a comment

Trending