ભારતના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ ઓસ્ટ્રેલિયામાં શાનદાર પ્રદર્શન કર્યું છે. યુથ વન-ડે સિરીઝની બીજી મેચમાં પણ તેણે ધમાકેદાર બેટિંગ કરી બધાને પ્રભાવિત કર્યા. પહેલી મેચમાં 22 બોલમાં 38 રન બનાવ્યા બાદ, તેણે બીજી મેચમાં 68 બોલમાં 70 રન ફટકાર્યા. આ ઇનિંગ દરમિયાન આ બેટરે એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો.
વૈભવે પોતાની ઇનિંગમાં 5 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. વૈભવે આ મેચમાં 6 છગ્ગા ફટકારીને ભારતીય અંડર-19 ટીમના પૂર્વ કેપ્ટન ઉન્મુક્ત ચંદનો રેકોર્ડ તોડીને અંડર-19 વન-ડે મેચોમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ક્રિકેટર બની ગયો છે. જેથી હવે 10 મેચમાં 41 છગ્ગા થઈ ગયા છે. ઉન્મુક્ત ચંદે 21 યુથ વન-ડે મેચોમાં 38 છગ્ગા ફટકાર્યા હતા. વૈભવે તેના કરતાં 11 મેચ ઓછી રમીને આ રેકોર્ડ બનાવ્યો છે.
વૈભવ સૂર્યવંશીએ યુથ વન-ડેમાં અત્યાર સુધી કુલ 540 રન બનાવ્યા છે, જેમાંના 26% રન બાઉન્ડ્રીથી આવ્યા છે. તેના નામે 41 છગ્ગા પણ નોંધાયા છે. ભારતીય ખેલાડીઓમાં, સૂર્યવંશી અને ઉન્મુક્ત ચંદ પછી, સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ યશસ્વી જયસ્વાલના નામે છે, જેમણે 2018 થી 2020 દરમિયાન 27 મેચોમાં 30 છગ્ગા ફટકાર્યા હતા.
આ મેચમાં, ચેન્નઈ સુપર કિંગ્સ માટે આઇપીએલમાં રમનાર આયુષ મ્હાત્રે, જે ટીમનો કેપ્ટન પણ છે, જે કંઈ ખાસ કરી શક્યો નહીં અને ખાતું પણ ખોલી શક્યો નહીં. આ વર્ષે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં આઇપીએલની પોતાની પહેલી મેચમાં પણ તે માત્ર 6 રન જ બનાવી શક્યો હતો.
વૈભવના 70 રન ઉપરાંત, વિહાન મલ્હોત્રાએ પણ 74 બોલમાં 70 રન બનાવ્યા. તેણે 7 ફોર અને એક સિક્સર ફટકારી હતી. અભિજ્ઞાન કૂંદૂએ 64 બોલમાં 71 રનની ઇનિંગ રમી. આ દરમિયાન તેણે 5 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. ભારતીય ટીમ 49.4 ઓવરમાં 300 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ.






Leave a comment