બુધવારે લેહમાં કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માગ સાથે હિંસક વિરોધપ્રદર્શનો ફાટી નીકળ્યાં. વિદ્યાર્થીઓની પોલીસ અને સુરક્ષા દળો સાથે અથડામણ થઈ. વિદ્યાર્થીઓએ ભાજપ કાર્યાલયને આગ ચાંપી દીધી હતી અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. વિદ્યાર્થીઓએ CRPF વાહનને પણ આગ ચાંપી દીધી.
આ વિદ્યાર્થીઓ સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના સમર્થનમાં વિરોધપ્રદર્શન કરી રહ્યા છે, જે છેલ્લા 15 દિવસથી ભૂખહડતાળ પર છે. અધૂરી માગણીઓના વિરોધમાં પ્રદર્શનકારીઓએ આજે બંધનું એલાન આપ્યું હતું. લોકોએ વાંગચુકના સમર્થનમાં રેલી કાઢી હતી.
વાંગચુકના નેતૃત્વ હેઠળના વિદ્યાર્થીઓની 4 માગણી :
- પહેલી- લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળવો જોઈએ.
- બીજી- બંધારણીય રક્ષણ (છઠ્ઠી અનુસૂચિ હેઠળ) આપવું જોઈએ.
- ત્રીજી- કારગિલ અને લેહ લોકસભા સીટ બનાવો.
- ચોથી- સરકારી નોકરીઓમાં સ્થાનિક લોકોની ભરતી થવી જોઈએ.
આ માગણીઓ અંગે આગામી બેઠક 6 ઓક્ટોબરે દિલ્હીમાં યોજાશે. 2019માં કલમ 370 અને 35A હટાવવામાં આવી ત્યારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને બે કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા હતા. એ સમયે સરકારે રાજ્યમાં પરિસ્થિતિ સામાન્ય થયા પછી પૂર્ણ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનું વચન આપ્યું હતું.
રાજ્યનો દરજ્જો મેળવવાની માગણી કરી રહેલા સ્થાનિક લોકોના વિરોધને પગલે જિલ્લા મેજિસ્ટ્રેટે આદેશ આપ્યો છે કે લેહમાં પૂર્વ લેખિત પરવાનગી વિના કોઈપણ સરઘસો, રેલીઓ અથવા કૂચ ન યોજવામાં આવે. જિલ્લામાં પાંચ કે તેથી વધુ લોકોના મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
લેહ જિલ્લા વહીવટીતંત્રે જિલ્લામાં ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 163 લાગુ કરીને એક મોટું પગલું ભર્યું છે. આ હેઠળ, પાંચ કે તેથી વધુ લોકોના મેળાવડા પર પ્રતિબંધ છે. પૂર્વ પરવાનગી વિના કોઈપણ સરઘસ, રેલી અથવા કૂચને મંજૂરી આપવામાં આવશે નહીં.
આદેશમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે કોઈપણ વ્યક્તિ એવું કોઈ નિવેદન નહીં આપે જે શાંતિને ખલેલ પહોંચાડી શકે અથવા કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ઊભી કરી શકે. વહીવટીતંત્ર જણાવે છે કે આ નિર્ણય વિસ્તારમાં શાંતિ જાળવવા અને પરિસ્થિતિને વધુ ખરાબ થતી અટકાવવા માટે લેવામાં આવ્યો છે.
નેશનલ કોન્ફરન્સના નેતા શેખ બશીર અહેમદે કહ્યું, “આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. અમારું માનવું છે કે 5 ઓગસ્ટ, 2019ના રોજ લેવાયેલા નિર્ણયને લેહ અથવા જમ્મુ અને કાશ્મીરના લોકોએ સ્વીકાર્યો ન હતો. દુઃખની વાત છે કે લોકો હાલથી વિરોધ કરી રહ્યા નથી, પરંતુ જયારથી તેમનો પ્રદેશ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો ત્યારથી તેઓ પાંચમી અનુસૂચિ અને કાયદાકીય સત્તાઓના અમલીકરણની માંગ કરી રહ્યા છે.






Leave a comment