ટીમ ઈન્ડિયાએ અમદાવાદ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝને એક ઇનિંગ્સ અને 140 રનથી હરાવ્યું. આ સાથે ભારતે બે મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી. બીજી ટેસ્ટ 10 ઓક્ટોબરથી નવી દિલ્હીમાં રમાશે.
શનિવારે મેચના ત્રીજા દિવસે વેસ્ટ ઇન્ડીઝ બીજી ઇનિંગ્સમાં 45.1 ઓવરમાં 146 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. એલિક એથેનાઝે 38 રન, જસ્ટિન ગ્રીવ્સ 25 રન બનાવીને આઉટ થયા હતા. રવીન્દ્ર જાડેજાએ 4 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજે 3 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવે 2 વિકેટ અને વોશિંગ્ટન સુંદરે એક વિકેટ લીધી હતી.
આ પહેલાં ભારતે પોતાની પહેલી ઇનિંગ 448/5 પર ડિકલેર કરી હતી. આના આધારે ટીમ ઈન્ડિયાએ 286 રનની લીડ મેળવી હતી. મેચના પહેલા દિવસે વેસ્ટ ઇન્ડીઝ માત્ર 162 રન જ બનાવી શક્યું હતું.
46મી ઓવરના પહેલા બોલ પર, કુલદીપ યાદવે જેડન સીલ્સને કૉટ એન્ડ બોલ્ડ કર્યો. કુલદીપે ઇનિંગની પોતાની બીજી વિકેટ લીધી. આ વિકેટ સાથે, ભારતે ઇનિંગ અને 140 રનથી મેચ જીતી લીધી.
વેસ્ટ ઈન્ડિઝે 43મી ઓવરમાં પોતાની નવમી વિકેટ ગુમાવી દીધી. રવીન્દ્ર જાડેજાએ જોહાન લેને (14 રન) મોહમ્મદ સિરાજના હાથે કેચ આઉટ કરાવ્યો. જડ્ડુએ શાઈ હોપ (1 રન), બ્રેન્ડન કિંગ (5 રન) અને ઓપનર જોન કેમ્પબેલ (14 રન)ની વિકેટ પણ લીધી.
ભારત માટે કેએલ રાહુલ, ધ્રુવ જુરેલ અને રવીન્દ્ર જાડેજાએ સદી ફટકારી. આ વર્ષે આ ત્રીજી વખત છે જ્યારે ટીમે એક ઇનિંગમાં ત્રણ સદી ફટકારી છે. રાહુલે ઇનિંગની શરૂઆત કરતી વખતે તેની 10મી સદી ફટકારી. જાડેજાએ સૌથી વધુ ટેસ્ટ સિક્સર ફટકારવાના મામલામાં એમએસ ધોનીને પાછળ છોડી દીધો. જુરેલ ભારત માટે ટેસ્ટ સદી ફટકારનાર 12મો વિકેટકીપર પણ બન્યો
શુક્રવારે વેસ્ટ ઇન્ડિઝ સામે અમદાવાદ ટેસ્ટમાં ત્રણ ભારતીય બેટ્સમેન- કેએલ રાહુલ, ધ્રુવ જુરેલ અને રવીન્દ્ર જાડેજા- એ સદી ફટકારી. ત્રણેયે પોતાની સદીની ઉજવણી અનોખી રીતે કરી. રાહુલે સીટી વગાડી, જાડેજાએ પોતાનું બેટ તલવારની જેમ ફેરવ્યું, અને ધ્રુવ જુરેલે સેનામાં ફરજ બજાવતા તેના પિતાને આર્મી શૈલીમાં સલામ કરી.
અમદાવાદ ટેસ્ટમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે મજબૂત લીડ મેળવી છે. ટીમ ઈન્ડિયા પાસે 286 રનની લીડ છે. શુક્રવારે રમતના અંતે ભારતે 5 વિકેટે 448 રન બનાવ્યા હતા. ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા 104 અને વોશિંગ્ટન સુંદર 9 રન બનાવીને અણનમ રહ્યા હતા. આ પહેલાં ધ્રુવ જુરેલ અને કેએલ રાહુલે પણ સદી ફટકારી હતી.






Leave a comment