જી. કે. જન. હોસ્પિ.ના ઓર્થો તબીબોએ વિશ્વ આર્થરાઇટિસ ડે નિમિતે સાંધાના  દુખાવા સામે આપ્યું માર્ગદર્શન

સાંધાને સ્વસ્થ રાખવા નિયમિત કસરત અને ખોરાકમાં કેલ્શિયમ સામેલ કરી સૂર્ય પ્રકાશમાંથી વિટા.ડી લેવું જરૂરી

દર વર્ષે દુનિયાભરમાં ૧૨મી ઓક્ટોબરના રોજ વિશ્વ આર્થરાઇટિસ ડે એટલેકે સંધિવા  દિવસ  મનાવવામાં આવે છે.કમર જકડાઈ જવી, પીઠમાં દર્દ હોવા છતાં જો વ્યક્તિ લાંબા સમય સુધી બેસી રહે તો આર્થરાઇટિસ થઈ શકે છે.માટેજ હાડકાંના રોગના તબીબો સલાહ આપે છે કે હાડકાં,માંસપેશી અને સાંધાને સ્વસ્થ રાખવા નિયમિત કસરત અને ખોરાકમાં કેલ્શિયમ સામેલ કરો.

અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલના ઓર્થો વિભાગના તબીબ ડો.વિવેક પટેલ અને ડો.નવીન ગાગલના જણાવ્યા પ્રમાણે કસરત સાથે વજનને પણ નિયંત્રણમાં રાખવામાં આવે તો ઘણે અંશે આ તકલીફથી રાહત મળશે.જો હાલવા, ચાલવા અને ફરવામાં  સાંધા દુખે તો નજર અંદાઝ કરવું એટલે આગળ જતાં મુશ્કેલી ઊભી કરવી.જો કે આર્થરાઇટિસ માટે માત્ર કલાકો સુધી બેસી રહેવું એ એકમાત્ર કારણ નથી બીજા અનેક કારણો જવાબદાર છે.

દરેક રોગની જેમ આ સમસ્યામાં પણ જીવનશૈલી  જવાબદાર છે.જેમની ખાણીપીણી સમતોલ નથી અને દિનચર્યા અવ્યવસ્થિત છે તેમને આ રોગ જલ્દી લાગુ પડી શકે છે.ભોજનમાં કેલ્શિયમ,પ્રોટીન સાથે વિટામિન ડી પણ આવશ્યક છે.વિટામિન ડી સૂર્યપ્રકાશમાં મળે છે,પણ સૂર્યના કિરણો ત્વચાના સીધા સંપર્કમાં આવે એ જરૂરી છે.

આ રોગના લક્ષણો અંગે તબીબો કહે છે કે, આર્થરાઇટિસનું સામાન્ય લક્ષણ દર્દ અને સુજન છે. સમસ્યા વધવા પછી હાલવા, ચાલવા, ફરવા અને  ચાલવામાં દર્દ થાય છે. આગળ જતા ડીકામર્ટી થાય છે,જેમકે પગ વાંકા વળી જવા.ડો.વિવેક પટેલે વધુમાં કહ્યું કે,જો આર્થરાઈટીસની સમસ્યા વધુ જણાય તો હાડકાના રોગના અને સાંધાના નિષ્ણાતનો સંપર્ક કરવો જોઈએ અને તેમના માર્ગદર્શન અને સૂચન મુજબ સારવાર અથવા સર્જરી જે જરૂર જણાય તે યોગ્ય સમયે કરાવી લેવાય તો હિતાવહ રહે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વમાં દર ત્રીજી વ્યક્તિ આ રોગથી પીડિત છે. ભારતમાં ૧૮ લાખ દર્દીઓ આર્થરાઇટિસના છે, જેમાંથી દોઢ લાખ લોકો તો  ડોક્ટર પાસે પહોંચી પણ શક્યા નથી. વિશ્વની સૌથી મોટી  બિનસંક્રમિત બીમારી પૈકીની એક છે,જે મહિલાને વધુ પ્રભાવિત કરે છે,એમ યુવાનોને પણ જલ્દી ચપેટમાં લે છે.

Leave a comment

Trending