– કચ્છમાં અંતિમ એક દાયકામાં માતા મૃત્યુ દરમાં નોંધપાત્ર ઘટાડો થયો
અદાણી સંચાલિત GAIMS દ્વારા માતૃત્વ અને બાળ સ્વાસ્થ્યનું મહત્વ ઉપરાંત માતા અને બાળ મૃત્યુદર ઘટાડવા અંગે આયોજિત એક કોન્ફરન્સમાં ભુજના અને જી.કે.જનરલ હોસ્પિટલના સ્ત્રીરોગ નિષ્ણાતોએ મેડિકલ વિધાર્થીઓ અને ડોક્ટર્સને માર્ગદર્શન આપતા કહ્યું કે, અત્યારે વધુ ધ્યાન માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય ઉપર આપવું જરૂરી છે.
અદાણી મેડિકલ કોલેજ ખાતે રાજ્ય સરકાર પ્રેરિત આ કાર્યક્રમાં કોલેજના ડીન ડો.એ.એન.ઘોષે માતા મૃત્યુ દર ઘટાડા અંગે જી.કે.જનરલ હોસ્પિટલના સ્ત્રીરોગ વિભાગની સરાહના કરી હતી.હોસ્પિટલના સ્ત્રીરોગ વિભાગના હેડ અને પ્રોફે.ડો. પ્રફુલ્લા કોટકે પ્રસૂતિ પછી માતા મૃત્યુનું મુખ્ય કારણ ગણાતા પોસ્ટ પાર્ટમ હેમરેજ અંગે વિગતે સમજાવી તેના કારણ, નિવારણ તેમજ સારવાર અંગે વિસ્તારપૂર્વક માહિતી આપી હતી.
ભુજના જાણીતા સ્ત્રીરોગ તબીબ ડો.એન.એન. ભાદરકાએ કહ્યું કે,આધુનિક સારવાર પધ્ધતિને કારણે છેલ્લા દાયકામાં માતા અને બાળ મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.ભુજના જ અન્ય જાણીતા સ્ત્રીરોગ નિષ્ણાત ડો.ગોપાલ હિરાણીએ ગર્ભાવસ્થા દરમિયાન માતાની ઉત્તમ સારવાર અંગે મેડિકલ વિધાર્થીઓને ટીપ્સ આપી હતી.
હોસ્પિટલના સ્ત્રીરોગ નિષ્ણાત ડો.ચાર્મી પાવાણીએ માતાને સુરક્ષિત રાખવા વૈદ્યકીય પરીક્ષણ તેમજ ગ્રામ વિસ્તારમાંથી માતાને ઊચ્ચ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચતા કરવા અને તેના જરૂરી માપદંડ ઉપર માર્ગદર્શન આપ્યું હતું.આ પ્રસંગે સ્ત્રીરોગ નિષ્ણાત ડો.ખુશ્બુ પટવા સહિત રેસિડેન્ટ્સ ડો., ઇન્ટર્ન્સ તબીબો અને મેડિકલ કોલેજના એમ.બી.બી.એસ.ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ આ કાર્યક્રમમાં જિલ્લાના ડોક્ટરોએ ઑનલાઇન હાજરી પણ આપી હતી.






Leave a comment