પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે ફરી ભયંકર અથડામણ, રાતભર ગોળીબાર

અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચે થોડા કલાકોની શાંતિ પછી મંગળવારે રાત્રે ખૈબર પખ્તુનખ્વાના કુર્રમ જિલ્લામાં ફરી એકવાર અફઘાન તાલિબાન અને પાકિસ્તાની સૈનિકો વચ્ચે જોરદાર સંઘર્ષ થયો. પાકિસ્તાને દાવો કર્યો કે અફઘાન તાલિબાન અને ‘ફિત્ના અલ-ખ્વારીઝ’એ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો, જેના જવાબમાં પાકિસ્તાની સેનાએ સખત કાર્યવાહી કરી. બંને પક્ષે ટેન્કોને નુકસાન થયું અને ચોકીઓ પર કબજો કરવાના દાવા કરાયા.

આ અથડામણ પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફના નિવેદન પછી તરત થઈ, જેમણે સરહદ પરની તણાવપૂર્ણ સ્થિતિ અંગે ચેતવણી આપી હતી. પાકિસ્તાનના સૂત્રોએ દાવો કર્યો કે પાકિસ્તાની હુમલામાં તાલિબાનની ઘણી ચોકીઓને ભારે નુકસાન થયું છે.

પાકિસ્તાની સૂત્રોએ પુષ્ટિ કરી કે જવાબી ગોળીબારમાં એક તાલિબાની ટેન્ક નાશ પામી, જેના પગલે હુમલાખોરો ચોકીઓ છોડીને ભાગી ગયા. સંરક્ષણ સૂત્રો અનુસાર, પાકિસ્તાની સેનાઓ હાઇ એલર્ટ પર છે અને સરહદની સુરક્ષા માટે સક્ષમ છે. પાકિસ્તાને અન્ય એક હુમલામાં વધુ એક અફઘાન ટેન્ક નષ્ટ કરવાનો પણ દાવો કર્યો.

જ્યારે અફઘાનિસ્તાન સમર્થિત ‘X’ હેન્ડલ ‘વૉર ગ્લોબ ન્યૂઝ’ એ અલગ દાવો કર્યો છે. તેમણે તાલિબાની ડ્રોન દ્વારા પખ્તુનખ્વાના સરહદી વિસ્તારોમાં પાકિસ્તાની સૈન્ય અડ્ડા પર વિસ્ફોટક ફેંકતા વીડિયો લીક થવાનો દાવો કર્યો છે. અન્ય એક વીડિયોમાં તાલિબાનને પાકિસ્તાની પોસ્ટ પર ડ્રોન ફેંકતા બતાવવામાં આવ્યું છે.

અફઘાનિસ્તાન સમર્થિત અન્ય એક હેન્ડલ, અફઘાનિસ્તાન ડિફેન્સએ કહ્યું છે કે અફઘાની સૈનિકોએ પાકિસ્તાનમાં એ જગ્યાઓને નિશાન બનાવી છે જ્યાંથી અફઘાનિસ્તાન માટે ખતરો ઊભો થાય છે. અફઘાન ફોર્સ પાકિસ્તાનમાં દાએશ (ISIS) ગ્રૂપના તમામ અડ્ડાઓને નિશાન બનાવશે. તેમજ અફઘાનિસ્તાન ડિફેન્સે દાવો કર્યો છે કે રાત્રે થયેલા હુમલામાં 7 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે.

અફઘાનિસ્તાને પાકિસ્તાન પાસે ISIS-ખોરાસન (દાએશ)ના મુખ્ય નેતાઓને સોંપવાની સત્તાવાર માંગણી કરી છે. ઇસ્લામિક અમીરાતના પ્રવક્તાએ આ માંગણી કરી, કારણ કે અફઘાનિસ્તાનનો દાવો છે કે આ નેતાઓ પાકિસ્તાનમાં રહીને ત્યાંથી અફઘાનિસ્તાન પર હુમલાનું કાવતરું ઘડી રહ્યા છે. માંગ કરાયેલા નેતાઓમાં શહાબ અલ-મુહાજીર, અબ્દુલ હકીમ તૌહીદી, સુલ્તાન અઝીઝ અને સલાહુદ્દીન રજબનો સમાવેશ થાય છે.

અફઘાનિસ્તાને પાકિસ્તાન પાસે માંગ કરી છે કે તે ISIS-ખોરાસન (દાએશ)ના મુખ્ય નેતાઓને અફઘાનિસ્તાનને સોંપી દે. ઇસ્લામિક અમીરાતના પ્રવક્તાએ સત્તાવાર રીતે પાકિસ્તાન પાસે મુખ્ય ISIS નેતાઓને સોંપવાની માંગ કરી છે. અફઘાનિસ્તાનનો દાવો છે કે આ લોકો પાકિસ્તાનમાં રહી રહ્યા છે અને ત્યાંથી જ અફઘાનિસ્તાન પર હુમલાની યોજના બનાવી રહ્યા છે. ISIS-ખુરાસાનના નેતાઓમાં શહાબ અલ-મુહાજીર, અબ્દુલ હકીમ તૌહીદી, સુલ્તાન અઝીઝ અને સલાહુદ્દીન રજબનો સમાવેશ થાય છે.

આ દરમિયાન અફઘાનિસ્તાનમાં એક મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. અહીં TTP (તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન)ના બે જૂથોએ પાકિસ્તાન વિરુદ્ધ એક થવાની જાહેરાત કરી છે. રિપોર્ટ અનુસાર, TTP એ જાહેરાત કરી છે કે તેના બે જૂથો એક થઈ રહ્યા છે. આમાંના એકનું નેતૃત્વ કુર્રમ જિલ્લાના મુફ્તી અબ્દુર રહેમાન કરી રહ્યા છે અને બીજા ખૈબર જિલ્લાની તિરાહ ઘાટીના કમાન્ડર શેર ખાન છે. આ બંને કમાન્ડરોએ TTPના નેતા મુફ્તી નૂર વલી મહેસૂદ પ્રત્યે નિષ્ઠાની શપથ લીધી છે.

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની ડ્યુરન્ડ બોર્ડર તરીકે ઓળખાતી સરહદ લગભગ 2640 કિલોમીટર લાંબી છે. આ સરહદ 1893માં બ્રિટિશ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બનાવવામાં આવી હતી, પરંતુ તેને લઈને લાંબા સમયથી વિવાદ છે. વર્ષ 1893માં બ્રિટિશ સિવિલ સેવક સર હેનરી મોર્ટિમર ડ્યુરન્ડ અને તે સમયના અફઘાન શાસક અમીર અબ્દુર રહેમાન વચ્ચે એક સમજૂતી પછી ડ્યુરન્ડ બોર્ડર બનાવવા માટે સંમતિ બની હતી.

ડ્યુરન્ડ બોર્ડર પશ્તૂન આદિવાસીઓને વિભાજિત કરે છે, જેઓ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન બંનેમાં રહે છે. અફઘાનિસ્તાન તેને કાયદેસર સરહદ માનતું નથી, કારણ કે તે પશ્તૂન એકતાને અસર કરે છે. અફઘાનિસ્તાનનો દાવો છે કે ડ્યુરન્ડ સમજૂતી બ્રિટિશ દબાણ હેઠળ થઈ હતી અને અફઘાનિસ્તાન તેને વસાહતી શાસનનું પ્રતીક માને છે.

Leave a comment

Trending