ગુજરાત સહિત દેશના 12 રાજ્યમાં શરૂ થશે SIRનો બીજો તબક્કો

દેશભરમાં SIR પ્રક્રિયા હાથ ધરવા માટે ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ચૂંટણી પંચે રાજધાની દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજીને મહત્ત્વની જાહેરાત કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું છે કે, બિહારની જેમ દેશના અન્ય 12 રાજ્યમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR)નો બીજો તબક્કો શરૂ કરાશે. 

દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે, ‘આજે અમે અહીં SIRના બીજા તબક્કાની શરૂઆતની જાહેરાત માટે આવ્યા છીએ. 12 રાજ્યોની મતદાર યાદીના SIRનો બીજો તબક્કો શરૂ કરાઈ રહ્યો છે. આ પ્રક્રિયા હેઠળ તમામ રાજ્યમાં મતદાર યાદીમાં નવા નામ ઉમેરવાનું, કાઢવાનું અને અન્ય ખામીઓ સુધારવાનું કામ કરાશે. હું બિહારના 7.5 કરોડ મતદારોને નમન કરું છું, જેમણે આ પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી નિભાવી અને તેને સફળ બનાવી.’

જણાવી દઈએ કે, SIR પ્રક્રિયાના બીજા તબક્કામાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ગોઆ, કેરળ, લક્ષદ્વીપ, પુડુચેરી અને આંદામાન નિકોબાર પણ સામેલ છે.

તેમણે વધુમાં કહ્યું કે, ‘ચૂંટણી પંચ દેશના તમામ 36 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ચૂંટણી અધિકારીઓ સાથે મુલાકાત કરીને પ્રક્રિયા પર વિસ્તારથી ચર્ચા કરી.’

નોંધનીય છે કે, અત્યાર સુધી દેશમાં 1951થી 2004 વચ્ચે આઠ વખત SIR પ્રક્રિયા કરાઈ છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે, ‘રાજકીય પક્ષોએ અનેક વખત મતદાર યાદીની ગુણવત્તાનો મુદ્દો ઉઠાવ્યો છે.’

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, આ તબક્કામાં જે રાજ્યોમાં SIR થશે, ત્યાં મતદાર યાદી આજે રાત્રે ફ્રીઝ કરી દેવાશે.

Leave a comment

Trending