અદાણી મેડિકલ કોલેજના કોમ્યુનિટી મેડિસિન વિભાગના પ્રાધ્યાપકોએ આપ્યા બદલાતી ઋતુમાં સાવધાનીના પગલાં

બદલાતી ઋતુમાં ડેન્ગ્યુ ચિકનગુનિયા મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગથી સાવધાની એજ ઉપાય

શિયાળાની ઋતુએ દરવાજે દસ્તક દીધી છે. સવાર સાંજ ઠંડીનો અનુભવ થાય છે.બપોરે હજુ ગરમીનો અહેસાસ થાય છે.ડબલ સિઝનને કારણે વાતાવરણમાં પ્રદૂષણ પણ હોય છે.પરિણામે એલર્જી ને દમની અને ફેફસાના રોગોની અસરમાં વધારો થાય છે.પરંતુ હવે મચ્છરજન્ય રોગથી તેમાંય ડેન્ગ્યુ,ચિકનગુનિયા મેલેરિયા જેવા ખતરનાક રોગથી સાવધ રહેવા અદાણી સંચાલિત મેડિકલ કોલેજના કોમ્યુનિટી મેડિસિન વિભાગના પ્રાધ્યાપકોએ જણાવ્યું હતું. 

કોલેજના આસિ. પ્રોફેસર્સ ડો.ધારાબેન ચૌધરીના જણાવ્યા મુજબ આ ઋતુમાં મચ્છરોનો ઉપદ્રવ વધુ જોવા મળતો હોય છે.પરિણામે મચ્છરોના કરડવાના  કારણે સર્જાતા ડેન્ગ્યુ,મલેરિયા તેમજ ચિકનગુનિયા જેવા રોગથી બચવા દરેકે જરૂરી ઉપાયો અવશ્ય કરવા જોઈએ.

અત્યારે અને આવનાર સમય ગાળામાં ડેન્ગ્યૂનો ઉપદ્રવ વધી જાય છે.એડીઝ મચ્છર કરડવાથી આ બીમારી થાય છે.આ મચ્છર દિવસે કરડતા હોય છે.જો મચ્છર કરડે અને ડેન્ગ્યુ થાય તો તેજ તાવ,માંસપેશીઓમાં દર્દ,ગંભીર શિરદર્દ,છાતી,પીઠ અને પેટ ઉપર લાલ ચઠ્ઠા જોવા મળે છે.લોહીમાંથી ઉપયોગી કણ પ્લેટલેટ ઘટી જાય છે.

ડેન્ગ્યૂની જેમ મલેરિયા પણ મચ્છર કરડવાથી જ થાય છે.એનોફિલિસ માદા મચ્છર કરડે તો આ રોગ થાય છે. મલેરિયામાં તાવ સાથે ઠંડી,ધ્રુજારી,શરીર તૂટવું અને તાવ તેના પ્રકાર મુજબ ચડ ઉતર થાય છે.તાવ સંપૂર્ણ નિર્મૂલન થતાં એક પખવાડિયા જેટલો સમય લાગે છે.આવા લક્ષણો જણાય તો તુરંત નિદાન અને સારવાર કરાવવા જરૂરી છે.

શરીરના સાંધામાં દુખાવો ઉત્પન્ન કરતો ચિકનગુનિયા પણ આ કારણે જ થાય છે.માટે મચ્છરથી બચાવ ખૂબ જ જરૂરી છે.ફુલ બાંયના શર્ટ,રાત્રે મચ્છરદાનીનો ઉપયોગ કરવો.ઓડોમસ ટ્યુબ લગાવી શકાય.આ ઉપરાંત મચ્છરના ઉત્પતિ સ્થાનો  જેવાકે જેમાં પાણી સંગ્રહ કરાય છે તેવા સાધનો દર અઠવાડિયે નિયમિત સાફ કરવા તેમજ મલેરિયા માટે કારણભૂત ખુલ્લું પાણી ઘરની આસપાસ જમા ન થાય તે પણ જોવું જરૂરી છે.       

ખાસ તો બાળકો અને વૃધ્ધોની આ અંગે ખાસ સાવચેતી રાખવાની જરૂર છે.આવા કોઈપણ કિસ્સામાં તબીબનો સંપર્ક કરી લેવો સારવારમાં આળસ કરવી હિતાવહ નથી,એમ પ્રાધ્યાપકોએ જણાવ્યું હતું.

Leave a comment

Trending