યુએસમાં શાસક ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રએ રાતોરાત વર્ક પરમીટ રૂલ્સ બદલી નાંખતા અરજદારોએ તેમની વર્ક પરમીટ રિન્યુ કરાવવા નવેસરથી સમગ્ર પ્રક્રિયા હાથ ધરવી પડશે. અમુક ચોક્કસ એમ્પલોયમેન્ટ ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટસ-ઇએડી-નું આપોઆપ એક્સટેન્શન થતું હતું તે હવે ૩૦ ઓક્ટોબરથી બંધ થવાના કારણે એચ-૪ વીઝાધારકો, એફ૧ ઓપીટી પર કામ કરતાં સ્ટુડન્ટ્સ અને આશ્રય માંગનારાઓને નવેસરથી તેમની અરજી પ્રક્રિયાઓ હાથ ધરવી પડશે. યુએસમાં દર વર્ષે સાડા ચાર લાખ લોકો એમ્પલોયમેન્ટ ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ્સ એક્સટેન્શન માટે અરજીઓ કરે છે. આ ફેરફારની અસર ભારતીયો પર સૌથી વધારે થશે કેમ કે એચ૧બી વીઝાધારકો અને સ્ટુડન્ટ્સની સંખ્યામાં તેમનો હિસ્સો સૌૈથી મોટો હોય છે.
ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ પગલું પસંદગીની પ્રક્રિયાને મજબૂત કરવા અને છેતરપિંડીઓ થતી અટકાવવા માટે ભરવામાં આવ્યું છે.
સરકારી દસ્તાવેજોમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે તત્કાળ અમલમાં આવે એ રીતે લાગુ પડનારા આ ફેરફાર ૩૦ ઓક્ટોબર કે તે પછી થનારી રિન્યુઅલ અરજીઓ પર અમલી બનશે. આ તારીખ પહેલાં થયેલી અરજીઓમાં જેમની તારીખ આપોઆપ લંબાવાઇ હોય તો તે માન્ય રહેશે. એચ૧બી વીઝાધારકોની સાથે જતાં સ્પાઉઝીસને એચ૪ વીઝા આપવામાં આવે છે તેઓ તેમના પરિવારને આર્થિક સહાય કરવાની ક્ષમતા આ નિયમોને કારણે ગુમાવશે. ૭૧ ટકા એચ૧બી વીઝા ભારતીયોને ફાળે આવતાં હોઇ આ નિયમની સૌથી વધુ અસર ભારતીયો પર થશે. એચ૧બીવીઝા સામાન્ય રીતે ત્રણથી છ વર્ષ માટે આપવામાં આવે છે.
આ જ રીતે યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર ૨૦૨૪માં ૨૭ ટકા એટલે કે ૪,૨૨,૩૩૫ ભારતીય સ્ટુડન્ટ્સ યુએસમાં ભણે છે.આ એફ૧ વીઝાધારક સ્ટુડન્ટ્સ ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ-ઓપીટી-દ્વારા નોકરી મેળવતાં હોય છે. હવે આ સ્ટુડન્ટ્સ તેમની અરજીઓ સમયસર નહીં કરે તો તેમની કારકિર્દીઓ જોખમાશે. સરકાર દ્વારા અરજદારોને તેમની મુદત પુરી થાય તેના છ મહિના અગાઉ એક્સટેન્શન માટે અરજી કરી દેવાની સલાહ આપવામાં આવી હતી. જે લોકોએ એસાયલમ મેળવવા માટે અરજીઓ કરી હોય અને તે પેન્ડિંગ હોય તો તેમને પણ અસર થશે. જો કે, ગ્રીન કાર્ડ ધારકો, એચ૧બી પ્રિન્સિપલ્સ, એલ૧ ઇન્ટ્રાકંપની ટ્રાન્સફર્સ અને ઓ૧ એકસ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી વીઝાધારકોને આ નિયમની કોઇ અસર નહીં થાય.
જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમ્યાન ભારતીયોને આપવામાં આવતાં એફ૧ વીઝામાં ૩૮ ટકાનો ઘટાડો થયો હતો. ઇઝરાયલ હમાસ મડાગાંઠ મામલે યુનિવર્સિટીઓમાં થયેલાં દેખાવોને પગલે સરકારે તેમની સામે આકરાં પગલાં ભર્યા હતા. વિવિધ પરિબળોને કારણે ચાલુ વર્ષે તો તેમાં ઓર ઘટાડો નોંધાયો છે.
આમ, સરકારના આ નવા નિયમને પગલે ભારતીય સ્ટુડન્ટ્સ હવે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે અન્ય દેશો ભણી વળશે.
સામાન્ય રીતે ભારતીય વિદ્યાર્થીઓ મોંઘાદાટ અમેરિકન શિક્ષણનો ખર્ચ કાઢવા માટે ઓપીટી પર મદાર રાખતા હોય છે. જો ઓપીટીની પ્રક્રિયા જટિલ બની જાય તો અન્ય દેશોમાં ઉચ્ચ શિક્ષણ લેવું વધારે પરવડે તેવું બની રહે તેમ છે.






Leave a comment