અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના સ્ત્રીરોગ વિભાગના તબીબો દ્વારા સ્તન કેન્સર માસ તરીકે ઉજવાતા ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન અત્રે દાખલ થનાર પ્રસૂતા માતાઓને તથા દર્દીઓને વિવિધ તબક્કે આ કેન્સરથી બચવા માટે માર્ગદર્શન આપતાં કહ્યું કે, બાળકને સ્તનપાન કરાવો જે સ્તન કેન્સર સામે પ્રાકૃતિક સુરક્ષા પ્રદાન કરે છે.
હોસ્પિટલના ગાયનેક વિભાગના હેડ ડૉ.પ્રફુલ્લાબેન કોટક તેમજ ડો.શુભ્રા શ્રીવાસ્તવે બહેનોને સલાહ આપતા વધુમાં જણાવ્યું કે, મેડિકલ વિજ્ઞાન ઘણું આગળ છે. સ્તન કેન્સરની અનેક સારવાર ઉપલબ્ધ છે, છતા સવસ્થ જીવનશૈલી, સંતુલિત આહાર, નિયમિત વ્યાયામ અને સ્થૂળતા દૂર કરી આ કેન્સરનું પ્રમાણ ઘટાડી શકાય છે. સ્તન કેન્સર માત્ર મેડિકલ સમસ્યા નથી,પરંતુ એક મનોવૈજ્ઞાનિક અને સામાજિક પડકાર પણ કેન્સર નિષ્ણાતો સમક્ષ છે એમ તેમણે ઉમેર્યું હતું.
સ્તન કેન્સર થવાના કારણ અંગે ડોક્ટરના જણાવ્યા મુજબ સ્તનપાન ન કરાવવું, ૩૦ વર્ષ પછી માતા બનવું, જલ્દી માસિકધર્મમાં આવવું, મોટી ઉંમર પછી મેનોપોઝ શરૂ થવું, સ્થૂળતા, ધુમ્રપાન, શરાબ, નિષ્ક્રિય જીવનશૈલી વિગેરે જવાબદાર પરિબળો છે.
હોસ્પિટલના સ્ત્રીરોગ નિષ્ણાત ડો.ખુશ્બુ પટવાએ કહ્યું કે, જી.કે. માં સ્તન કેન્સર ચકાસણી માટે મેમોગ્રાફી ઝાંચની તેમજ અન્ય ચકાસણીની ઉપલબ્ધ સુવિધા દ્વારા તપાસ કરાવવા અંગે જણાવી કહ્યું કે, સ્તન કેન્સર છે કે કેમ તેની પ્રાથમિક તપાસ તો સ્તનના આકારમાં બદલાવ, બગલમાં ગાંઠ થવી, પાણી આવવું વિગેરે જાતે જ જોયા પછી ડોક્ટર પાસે જઈ મેમોગ્રાફી, બાયોપ્સી અને એમ.આર.આઈ. વિગેરે તબીબની સલાહ મુજબ ચકાસણી કરાવી શકાય. બહેનો ૨૦ વર્ષે શરીરમાં આવતા બદલાવ અને ૪૦ ની ઉંમરે મેમોગ્રાફી કરાવે તે જરૂરી છે. કેન્સર જણાય તો સર્જરી, રેડિએશન, કિમોથેરાપી સારવાર આજના મેડિકલ સાયન્સ પાસે છે.






Leave a comment