જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં બે આતંકવાદીઓ ઠાર

શનિવારે જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. નિયંત્રણ રેખા (LoC) પારથી ઘૂસણખોરીના પ્રયાસની ગુપ્ત માહિતી મળ્યા બાદ ભારતીય સેનાએ શુક્રવારે આતંકવાદીઓ સામે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

ભારતીય સેનાના એક યુનિટ ચિનાર કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોએ વળતો ગોળીબાર કર્યો હતો, જેમાં આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. ઓપરેશન ચાલુ છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

આ પહેલા 5 નવેમ્બરના રોજ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ચતરૂ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આતંકવાદીઓના ગોળીબારમાં એક સૈનિક ઘાયલ થયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જમ્મુ અને કાશ્મીર પોલીસે સેનાના સમર્થનથી આતંકવાદીઓ સામે સંયુક્ત કાર્યવાહી શરૂ કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કિશ્તવાડના છત્રૂમાં આતંકવાદીઓનું એક જૂથ ઘણા મહિનાઓથી સક્રિય છે. છેલ્લા એક વર્ષમાં ઊંચાઈવાળા જંગલી વિસ્તારોમાં છૂટાછવાયા આતંકવાદી પ્રવૃત્તિઓ જોવા મળી છે. સુરક્ષા દળો લાંબા સમયથી તેમની પ્રવૃત્તિઓ પર નજર રાખી રહ્યા છે. તાજેતરના મહિનાઓમાં આતંકવાદીઓ સામે અનેક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Leave a comment

Trending