જી.કે.જન.હોસ્પિ.ના મનોચિકિત્સા વિભાગના ક્લિનિકલ સાયકોલોજિસ્ટે આત્મહત્યાનો વિચાર કરતી મહિલાને નવી જિંદગી શરૂ કરવાની પ્રેરિત કરી

આપઘાત કરવો એ વિકલ્પ નથી, જિંદગીને નવી દિશા આપો તમારા પછી તમારા બાળકોનું શું

“આપઘાત એ વિકલ્પ નથી, જિંદગીને નવી દિશા આપો તમારા પછી તમારા બાળકોનું શું થશે “? સતત આત્મહત્યાનો જ વિચાર  કરતી મહિલાને આવી પ્રેરક, ભાવનાત્મક અને માતૃત્વને અંદરથી હચમચાવી નાખતી અને જાગૃત કરતી વાતની એવી તો જાદુઈ અસર થઈ કે, બહેને આત્મહત્યાનો વિચાર પડતો મૂકી નવેસરથી જિંદગી શરૂ કરી.

સમગ્ર ઘટના એવી છે કે,અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગમાં ક્લિનિકલ સાયકોલોજીસ્ટ પાસે શહેરના વિભાબેન (નામ બદલ્યું છે)  પતિના અકાળે મૃત્યુ પછી ડીપ્રેશનમાં સારી ગયા. હું ક્યાં જઈશ,મારું કોણ એવા વિચાર સાથે બહેન પણ મરવાના વિચાર કરતા હતા.પણ તેઓ મનોઉપચાર માટે અત્રે જી.કે. માં આવ્યા.કાઉન્સેલર પાસે આવીને ખૂબ રડ્યા.દિલ ખોલીને હૃદય દ્રાવક આપવીતી જણાવી.

કાઉન્સેલર હેતલબેન ગોહિલે તમામ બાબતો સહાનુભૂતિપૂર્વક  સાંભળી મનોઉપચાર ચાલુ કર્યા.છ અઠવાડિયા સુધી  વિભાબેન સાથે વાતચીતનો દોર ચાલુ રાખ્યો.દરમિયાન તેમને જીવન જીવવાની પ્રેરણા આપી,એવો અહેસાસ પણ કરાવ્યો કે મરવા કરતા જીવન જીવવું જરૂરી છે.જિંદગીમાંથી અંગત વ્યક્તિ ગયું છે,તેની ખોટ નહીં પુરાય પણ બાળકો દર-બ -દર ભટકે નહીં એ માટે પણ જીવવું જરૂરી છે આવી લાગણીભરી સમજાવટથી ઇચ્છિત પરિવર્તન આવ્યું.

છેવટે બહેન ડિપ્રેશનમાંથી બહાર આવ્યા અને જીવન જીવવા માટે અને બાળકો માટે મરવાનો વિચાર મનમાંથી સમૂળગો નીકળી ગયો અને આ રીતે મનોચિકિત્સા વિભાગની મહેનત લેખે લાગી.કાઉન્સેલર દ્વારા સમસ્યા સમાધાન થેરાપી,ભાવનાત્મક અને સહાનુભૂતિ સંપર્ક,માનસિક સ્વાસ્થ્ય સ્થિતિ માટે જરૂરી પ્રબંધ, સામાજિક સમર્થન પ્રણાલી જેવા ઉપાયો ઉપર બહેન સાથે કાઉન્સેલિંગ કર્યું હતું.  

આત્મહત્યાનો વિચાર ન આવે માટે શું કરવું એ અંગે મનોચિકિત્સક અને વિભાગના હેડ ડો.રિદ્ધિબેન ઠક્કરે જણાવ્યું કે,કોઈનો સાથ કે સપોર્ટ મેળવો,જાતને સુરક્ષિત રાખો,મિત્ર, પરિવાર કે કોઈ સમજી શકે તેવી વ્યક્તિ સાથે વાત કરો,કોઈ વ્યવસાયિક કે મનોચિકિત્સકની સલાહ લ્યો.ધ્યાન,યોગ,,ઊંડા શ્વાસ લેવા,સંગીત સાંભળવું અને ખાસ તો પોતાના ઇષ્ટ દેવ ઉપર શ્રધ્ધા રાખી નવજીવન જીવવાની હિંમત કેળવવી વિગેરે મુખ્ય છે.

Leave a comment

Trending