જી.કે.જન. હોસ્પિ.ના પલ્મોનોલોજી વિભાગમાં દર મહિને અંદાજે ૫૦થી૬૦ ન્યૂમોનિયાના દર્દીઓ સારવાર લે છે

પ્રાચીન યુગથી અસ્તિત્વ ધરાવતા ન્યુમોનિયાને વર્તમાન યુગમાં રસીકરણથી કાબુમાં રાખી શકાય

કેટલાક રોગ એટલા પ્રાચીન હોય છે કે, જેમની ગણના ગ્રીક યુગમાં પણ હતી આ પૈકી એક ન્યુમોનિયાને ગણી શકાય. આ રોગથી આજે પણ વિશ્વમાં અંદાજે ચાર મિલિયન વ્યક્તિઓનું મૃત્યુ થાય છે. ન્યુમોનિયાની જાગૃતિ માટે વિશ્વ આરોગ્ય સંસ્થા દર વર્ષે ૧૨મી નવેમ્બરના રોજ વિશ્વ ન્યુમોનિયા દિવસની ઉજવણી કરે છે.

અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલના પલ્મોનોલોજીસ્ટ ડો. કલ્પેશ પટેલે વિશ્વ ન્યૂમોનિયા દિવસ નિમિતે (૧૨નવે.)કહ્યું કે, આ રોગને વર્તમાન યુગમાં કાબુમાં લેવા રસીકરણ ખૂબ જ મહત્વ ધરાવે છે. પાંચ વર્ષનાં બાળક માટે તેમના માતા-પિતા અને ૫૦ વર્ષ અને તેથી વધુ ઉંમરની વ્યક્તિ જો જાગૃત બનીને  જરૂરી  ન્યુમોકકલ વેક્સિન  સમયસર લે તો આ રોગ થવાની સંભાવના ઘણી ઘટી જાય છે. જોકે આ રોગ તમામ ઉમરના લોકોને થઈ શકે છે. 

જી.કે.મા દર મહિને ૫૦- ૬૦ ન્યુમોનિયાના દર્દીઓ સારવાર લેવા આવે છે.

તબીબના જણાવ્યા અનુસાર આ એક ફેફસાનો રોગ છે. જેના સામાન્યથી ગંભીર લક્ષણો જોવા મળે છે.   ઉધરસ સાથે કફ, તાવ, ઠંડી, છાતીમાં દુખાવો વિગેરે તેના મુખ્ય લક્ષણો છે. કફમાં કેટલીક વખત લોહી પણ આવતું હોય છે. બેક્ટેરિયા, વાયરલ અને ફૂગ થી થતો આ રોગ વૃધ્ધ અને બાળકને ઝડપથી ચપેટમાં લઈ લે છે.

ન્યુમોનિયા સંભવિત વ્યક્તિઓએ બચવા માટે  ભીડભાળવાળી જગ્યાએ જવાનું ટાળવું  અને જવાનું થાય તો માસ્ક અવશ્ય પહેરવું. સામાન્ય દિવસોમાં પણ બહાર નીકળતી વખતે ખાસ કરીને  પ્રદૂષણ વધુ હોય ત્યારે માસ્ક પહેરીને  નીકળવું હિતાવહ છે.  પોષણક્ષમ ખોરાક લેવો જોઈએ વડીલો અને નાના બાળકોએ તો ખાસ રસીકરણ કરાવવું જ જોઈએ.જો ઉપરોક્ત લક્ષણો જણાય તો તબીબનો સંપર્ક કરવો જરૂરી બને છે.

Leave a comment

Trending